મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત
શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ઇમીટેશનનું કામ કરતો યુવાન રાત્રે બાઇક લઇ ઘરે જતો હતો ત્યારે બેડી ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતા સ્કુટર ચાલકે અકસ્માત સજર્યો હતો.
જેમાં સ્કુટર સવાર બે યુવાન પણ ઘવાયા હતા.જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર મારૂતી રેસીડેન્સીમાં રહેતો અને ઇમીટેશનની મજુરી કરતો નિકુંજ નાનજીભાઇ અકબરી (ઉ.વ.32) નામનો યુવાન ગઇકાલે રાત્રે બાઇક લઇ ઘરે જતો હતો ત્યારે બેડી ચોકડી નજીક સીટી પાર્ક મોલ પાસે પહોંચતા રોંગ સાઇડમાં આવતા ડબલ સવારી સ્કુટરના ચાલકે બાઇક સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં નિકુંજ અકબરી અને સ્કુટર સવાર સુરેશ ખેમશીભાઇ મડોઇ (ઉ.વ.26) અને વિજય નીકવાલ (ઉ.વ.25)ને ઇજા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા નિકુંજનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.
પ્રાથમિક તપાસમાં મૃતક એકનો એક ભાઇ હતો. તેની બહેનનું અગાઉ અવસાન થયું છે. તેને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવમાં એકના એક પુત્રનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. વધુ તપાસમાં મૃતક નિકુંજના માતા પ્રયાગરાજ નજીક મહાકુંભમાં સેવા કરવ ગયા હોવાનું જાણવા મળ્યું છે.