વન નેશન વન કાર્ડના પરિપત્રથી વેપારીઓમાં દેકારો
અનાજનો જથ્થો દર બીજી તારીખ સુધીમાં માંગી લેવાની વ્યવસ્થાથી ગૂંચવાડો સર્જાયાની દહેશત
રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ માટે વન નેશન વન રેશનકાર્ડ (ઘગઘછઈ) હેઠળના જથ્થા માટે પરમિટ મેળવવાની પ્રક્રિયામાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ દુકાનદારો એપ્રિલ 2025 સુધી ચલણ જનરેટ કરતી વખતે જરૂૂરી જથ્થો ભરીને પરમિટ મેળવી શકતા હતા, પરંતુ હવેથી આ પદ્ધતિ બદલવામાં આવી છે.
નવી પદ્ધતિ અનુસાર, જે દુકાનદાર ભાઈઓને ONORC હેઠળ પોર્ટેબિલિટી પરમિટનો જથ્થો મેળવવો હશે, તેઓએ મહિનાની બીજી તારીખ સુધીમાં તેમના વિસ્તારના તાલુકા કક્ષાના અધિકારીઓ, શહેરી વિસ્તારના પુરવઠા શાખાના ઝોનલ અધિકારીઓ અને તાલુકા પુરવઠા શાખાના નાયબ મામલતદારને તેમની માંગણી રજૂ કરવાની રહેશે. આ અધિકારીઓ દ્વારા આ માંગણી જિલ્લા પુરવઠા અધિકારી સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા વિભાગમાં દરખાસ્ત કરશે અને આ દરખાસ્તના આધારે ઘગઘછઈની પરમિટ જનરેટ થશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ ગોડાઉનમાંથી જથ્થો દુકાનદાર સુધી પહોંચશે.
દુકાનદારોનું માનવું છે કે આ પ્રક્રિયા નિયમિત પરમિટ જેટલી સરળ નથી અને તેમાં સમય પણ વધુ લાગશે. અગાઉની વ્યવસ્થાની સરખામણીમાં આ પ્રક્રિયા તદ્દન વિપરીત છે. વેપારીઓએ પાછલા મહિનાઓના અનુભવ અને અંદાજિત લક્ષ્ય સાથે માંગણી મૂકવાની રહેશે, જે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈને પરમિટ સ્વરૂૂપે તેમને મળશે. ત્યારબાદ નિગમના ગોડાઉન અને ડી.એસ.ડી.ની ભૂમિકા શરૂૂ થશે અને અંતે જથ્થો દુકાને પહોંચશે. દુકાનદારો આ પ્રક્રિયાને જટિલ અને સમય બગાડનારી માને છે અને તેનાથી ઘણી અગવડતાઓ ઊભી થઈ શકે છે.
જો કે, વર્તમાન અને અગાઉની પદ્ધતિમાં એક સામ્યતા એ છે કે વેપારી ભાઈઓ પોતાની માંગણી અનુસાર જથ્થો મેળવી શકે છે. પરંતુ નવી પદ્ધતિમાં સંભવત: અધિકારીઓ દ્વારા વેપારીઓની માંગણીને તેમના પાછલા મહિનાના ONORC વિતરણના આધારે મર્યાદિત કરી શકાય છે.સસ્તા અનાજના વેપારીઓ નિયમિત કે પોર્ટેબિલિટી પરમિટ દ્વારા જથ્થો મેળવે છે અને આ જથ્થાનું સંચાલન નિગમ દ્વારા 45 દિવસની સાયકલ દ્વારા કરવામાં આવે છે. ગોડાઉન કે દુકાનમાં રહેલો તમામ જથ્થો ઓનલાઇન સિસ્ટમથી સંચાલિત હોવાથી ગેરરીતિની શક્યતા નહિવત્ છે.
તેમ છતાં, ONORC હેઠળના જથ્થાને મેળવવા માટે નિગમ દ્વારા ઉમેરવામાં આવેલી વધારાની વિસંગતતાઓ વડાપ્રધાનના એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડના સંકલ્પને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે.
વિસ્તાર બહારના ગ્રાહકો અને દુકાનદારોને આના કારણે હાલાકી ભોગવવી પડી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ અંગે પુનર્વિચારણા કરવી જોઈએ અને ONORC હેઠળ મળતી પરમિટને ફરીથી સરળ બનાવવી જોઈએ, જેથી પ્રાંતવાદની મર્યાદાઓ દૂર થાય અને વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરી શકાય.