PMOના નામે ચરી ખાતો વધુ એક નકલી અધિકારી ઝડપાયો, અનેક રાજ્યોમાં માયાજાળ
અમુક IAS-IPSને પણ લપેટમાં લીધા, વેપારીઓને બ્લેકમેઇલ કર્યાનો ઘટસ્ફોટ
PMOમાં ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ પછી કિરણ પટેલ જેવા એક ગઠિયાને અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઝડપ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઉંચા હોદા પરના અધિકારી તરીકે આપીને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને માત્ર અમદાવાદ જ નહીં પણ દેશના અન્ય શહેરોમાં અનેક વેપારીઓ અને હોટેલ માલિકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડા નામના ઠગને હરિયાણાના કરનાલથી પકડી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં તેણે માત્ર વેપારીઓને જ નહી પણ IPS અને IASઅધિકારીઓને પણ લપેટામાં લીધા હતા. ત્યારે ભરત છાબડા નામના ગઠિયાની પુછપરછમાં આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ભરત છાબડાની પ્રાથમિક તપાસમાં અનેક વિગતો બહાર આવી છે. જેમાં તેણે અનેક વેપારીઓને બ્લેકના નાણાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપીને લાખો રૂૂપિયા પડાવ્યા હતા. જ્યારે વેપારીઓએ નાણાં પરત માંગ્યા ત્યારે તેણે ઇન્કમ ટેક્ષની રેડ કરાવવાનું કહીને તેમને બ્લેકમેઈલ કરીને પડાવેલા નાણાં પરત આપવાના બદલે બીજા નાણાં માંગ્યા હતા.
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નામે લાખો-કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડાની કરનાલ અને ગુરુગ્રામમાં પોતાની ઓળખ એક બિઝનેસ મેન તરીકે પણ આપતો હતો. બિઝનેસના કામે તે દેશના વિવિધ રાજ્યોમાં જતો હોવાનું સ્થાનિક લોકોને કહેતો હતો.
અમદાવાદ ક્રાઈમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, ભરત છાબડા અન્ય રાજ્યોમાં આઈપીએસ અને આઈએએસને કોલ કર્યા હોવાની વિગતો મળી છે. જેથી કોલ ડીટેઈલના આધારે તમામ લોકોનો સંપર્ક કરવામાં આવશે. જે વિગતો એકઠી કરાશે અને જેના આધારે અન્ય રાજ્યોમાં છેતરપિંડીના ગુના નોંધાવવાની શક્યતા છે.