એટલાન્ટિસ આગ દૂર્ઘટનાને એક માસ પૂરો
રાજકોટમા 150 ફૂટ રિંગ રોડ ઉપર બિગબાજાર ચોકમા આવેલા વૈભવી એટલાન્ટિસ બિલ્ડિંગમા લાગેલી આગની ઘટનામા ત્રણ લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. આ ગંભીર ઘટનાને આજે એક માસ પૂરો થવા છતા હજુ સુધી કોઇ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી અને મહાનગર પાલિકા તથા પોલીસતંત્ર જવાબદારીની એક બીજા ઉપર ફેંકા ફેંકી કરી રહયા છે.
પોલીસ આ ઘટનામા કોર્પોરેશનનાં ફાયરબ્રિગેડ વિભાગનાં રિપોર્ટની રાહ જોઇ રહી છે જયારે ફાયર વિભાગને કોઇ જવાબદાર વ્યકિત મળતો નથી. પોલીસે કહ્યું હતું કે, આ બિલ્ડિંગમાં કોઈ કાયમી હોદ્દેદાર નથી પણ ટેમ્પરરી હોદ્દેદારોની નિમણૂંક કરાયેલી છે. બિલ્ડરે સોસાયટી સોંપી દેતા આ ઘટનામાં બિલ્ડરની કોઈ જવાબદારી નથી.આ બિલ્ડિંગમાં માત્ર સેક્રેટરી અને ખજાનચી છે. બિલ્ડિંગમાં ફાયરના સાધનો યોગ્ય રીતે કામ કરતાં હતાં અને દર વર્ષે તેની ચકાસણી પણ કરવામાં આવતી હતી.
આ ઘટના મુદ્દે પોલીસે વધુમાં કહ્યું હતું કે, એટલાન્ટિસ બિલ્ડિંગના ટેમ્પરરી હોદ્દેદારોએ ફાયર વિભાગમાંથી એનઓસી રિન્યૂ નહોતી કરાવી. આ અગ્નિકાંડમાં જવાબદારી કોની એ અંગે પોલીસ પાસે કોઈ જવાબ નથી. સમગ્ર ઘટનામાં બિલ્ડર અને સોસાયટી જવાબદાર નથી તો કોણ જવાબદાર છે એવા સવાલો ઉઠવા પામ્યાં છે. આ ઘટનાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
આ ઘટનાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં હજી એફએસએલનો પૃથક્કરણ રીપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડરે આ બિલ્ડિંગ રહેવાસીઓને સોંપી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ એસોસિએશન રજિસ્ટ્રર કરાવેલુ નહીં હોવાથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. એસોસિએશનનો કોઈ ઠરાવ પણ ઓન પેપર નથી. રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગે ફાયરના સાધનો બંધ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. પરંતુ પોલીસ કહે છે કે, બિલ્ડિંગમાં ફાયરના સાધનો યોગ્ય રીતે કામ કરતાં હતાં અને દર વર્ષે તેની ચકાસણી પણ કરવામાં આવતી હતી.આ ઘટનામાં પોલીસનું માત્ર એક જ રટણ સામે આવ્યું છે કે, તેમાં કોઈની જવાબદારી ફિક્સ થતી નથી.