રમતાં રમતાં સીડી પરથી પટકાયેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત
મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં કામ કરતા પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી ત્રણ દિવસ પૂર્વે રમતા રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે આવેલા સીરામીકમાં કામ કરતાં પરિવારની સંધ્યા રામસિંગભાઈ ગોલ નામની દોઢ વર્ષની માસુમ બાળકી ત્રણ દિવસ પૂર્વે કારખાનામાં રમતી હતી ત્યારે રમતા રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાતા માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી.
બાળકીને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી કારખાનામાં રમતી હતી ત્યારે રમતા રમતા અકસ્માતે નીચે પડી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.