રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી પહેલા માળે રમતી હતી ત્યારે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વર વિસ્તારમાં દેવપરા મેઈન રોડ પર આવેલા દસ્તુર ચોકમાં રહેતાં પરિવારની આલીયા અપ્રોજભાઈ ફકીર નામની દોઢ વર્ષની માસુમ બાળકી સંધ્યા ટાણે પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા અકસ્માતે પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મુળ ઉત્તરપ્રદેશનો વતની છે અને છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક બાળકી ચાર બહેનોની નાની બહેન હતી. ઉપરોકત બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.