જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો હતો, અને પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વિનોદ વરસિંગ ગુડિયા નામના 25 વર્ષના પર પ્રાંતિય ભીલ પરિવારની દોઢ વર્ષની બાળકી મીરા કે જે દરેડ વિસ્તારમાં એક કારખાના નજીક રોડ પર ઉભી હતી, જે દરમિયાન જી.જે.10 ડી.આર. 4207 નંબરના ટ્રેક્ટરના ચાલકે બાળકીને ચગદી નાખતાં માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી.
જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે વિનોદભાઈ ભીલ એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.