દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે વધુ એક કરૂણાંતીકા સર્જતી ઘટના સામે આવી છે. રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં પ્લાસ્ટીકની દડી ગળી જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરના તબીબે નિષ્પાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલ ઘનશ્યામ પેરેડાઈઝ રામધણ પાસે રહેતાં પરિવારની પાર્થવી તેજસભાઈ ચાવડા નામની દોઢ વર્ષની માસુમ બાળકી સાતેક દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી ગઈ હતી. માસુમ બાળકીને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં બેસુદ હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા રાજકોટ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઝનાના હોસ્ટિપલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલે જઇ જરૂરી કાર્યવાહી હાથ હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પાર્થવી ચાવડાના પિતા કારખાનામાં કામ કરે છે. પાર્થવી ચાવડા તેના માતા-પિતાને એકની એક લાડકવાયી પુત્રી હતી. પાર્થવી ચાવડા રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી જતાં શ્ર્વાસ લેવમાં તકલીફ થતા તાત્કાલીક સારવાર માટે ખેડવામાં આવી હતી. જયા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમ બાળકીનું હોસ્પિટના બીછાને મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.ફૂલ જેવી કુમળી બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સાર્જાયો છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.