રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાન
ઓર્થોપેડીકસ, રેડિયોલોજી, પેથોલોજી અને સર્જરી વિભાગના 19 તબીબોનું શહેરની જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે નાતરું
વિભાગનાં વડાનો પુત્ર તો મેડિકલ કોલેજમાં નોકરીએ આવ્યા વગર જ પગાર કટકટાવે છે, અમુકને ભાજપની છત્રછાયા હેઠળ ડબલ કમાણી
સવારે રજિસ્ટરમાં સહી કરી ખાનગી હોસ્પિટલે પહોંચી જતાં 19 ડોકટરોના નામ જોગ ફરિયાદથી ખળભળાટ
રાજકોટ મેડીકલ કોલેજમાં ઉપરી અધિકારીઓની છત્રછાયા હેઠળ દોઢ ડઝનથી વધુ ડોકટરો તગડા સરકારી પગાર લઈ સાથોસાથ શહેરની નામાંકીત હોસ્પિટલોમાં પણ ગેરકાયદેસર પ્રેકટીસ કરી તગડી કમાણી કરતાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને આ કયા ડોકટર કઈ હોસ્પિટલમાં નોકરી કરે છે તેના નામ સહિતની લેખિત ફરિયાદ આરોગ્ય મંત્રાલયમાં થતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મેડીકલ કોલેજમાં બેઠકો બચાવી રાખવા માટે કાગળ ઉપર ડોકટરોની સેવા ચાલુ રાખી તગડા સરકારી પગાર ચુકવવાની ઉપરી અધિકારીઓની મજબુરી હોવાનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. આ મજબુરીના કારણે ઓર્થોમેડીકસ, રેડિયોલોજી, મેડીસીન અને સર્જરી વિભાગનાં કુલ 19 તબીબો મફતમાં સરકારનો પગાર લેવા સાથે ખાનગી હોસ્પિટલોમાં પ્રેકટીસ કરીને પણ લાખો રૂપિયાની ધિકતી કમાણી કરી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.‘વાળ પાછળ એરંડા પણ પીવે’ તે કહેવત મુુજબ મેડીકલ કોલેજનાં એક ઉચ્ચ અધિકારીના પુત્ર પણ માત્ર કાગળ ઉપર મેડીકલ કોલેજમાં રેડિયોલોજી વિભાગમાં એક લાખથી વધુનાં પગારથી નોકરી કરતો હોવાનું અને માત્ર રજિસ્ટરમાં સહી કરી 150 ફુટ રીંગ રોડ ઉપર શિતલ પાર્ક નજીક આવેલી એક મોટી હોસ્પિટલમાં ફુલટાઈમ પ્રેકટીસ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં કુલ 19 તબીબોના નામ આપવામાં આવ્યા છે. આ તમામ તબીબો માત્ર મેડીકલ કોલેજમાં માત્ર કાગળ ઉપર જ ફરજ બજાવી એક લાખથી લધુ રકમનો પગાર લેતાં હોવાનું જણાવ્યું છે. નિયમ મુજબ મેડીકલ કોલેજમાં નોકરી કરતાં હોય તે તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કરી શકતા નથી. આ કિસ્સામાં ખાસ કમટિી બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવવાની પુરી શકયતા છે.
મેડીકલ કોલેજનાં ઓર્થોમેડીક અને રેડિયોલોજી વિભાગનાં ચાર તબીબો તો ભાજપ સાથે જ ઘનિષ્ટ નાતો ધરાવતાં અને વિદ્યાનગર મેઈન રોડ તથા કુવાડવા રોડ ઉપર હોસ્પિટલો ધરાવતા નામી તબીબને ત્યાં જ પ્રેકટીસ કરતાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ તબીબની હોસ્પિટલમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે હાલમાં જ કોંગ્રેસે કાનુની લડાઈ શરૂ કરી છે.આ ઉપરાંત ઓર્થોપેડીક વિભાગનાં એક તબીબ ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિની જ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ખાનગી પ્રેકટીસ કરી રહ્યાં છે. આમ મેડીકલ કોલેજમાં સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલોમાંથી કમાણી કરતાં તબીબોને ભાજપના અમુક નેતાઓના પણ આશિર્વાદ હોવાનું બહાર આવ્યું છે.
મેડિકલ કોલેજમાં બેઠકો ઘટી જવાનો ભયે બધા ચૂપ?
રાજકોટની મેડીકલ કોલેજનાં 19 જેટલા તબીબો માત્ર રજિસ્ટરમાં સહી કરી લાખો રૂપિયાનો પગાર લઈ ખાનગી પ્રેકટીસ કરતાં તબીબો અંગે સિવિલ હોસ્પિટલની બેઠકમાં પણ અનેક વખત ચર્ચા કરી અને આ અંગે અન્ય અધિકારીઓએ જે તે વિભાગનાં હેડને મૌખીક સુચનાઓ પણ આપી હતી. પરંતુ મેડીકલ કોલેજમાં માત્ર કાગળ ઉપર ફરજ બજાવતાં તબીબોને છુટા કરી દેવામાં આવે તો મેડીકલ કોલેજની બેઠકો ઘટી જવાનો ભય બતાવાયો હોવાનું જાણવા મળે છે. તબીબો પણ મેડીકલ કોલેજની આ મજબુરીનો ગેરલાભ લઈ રહ્યાની તમામ અધિકારીઓને જાણ હોવા છતાં કાંઈ કરી શકતા નથી.