વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી છે. એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જોકે હાઇકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે આ ધમકી બાદ પણ હાઈકોર્ટમાં કામગીરી તો નિયમિત રીતે ચાલતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રિસેસ બાદ હાઈકોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતું.