સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્ને પી.એમ. નરેન્દ્ર મોદીના ભાઇની આંદોલનની ચીમકી
99% આધારકાર્ડ લિંક થાય તો જ માસિક રૂા.20 હજાર આપવાના પરિપત્ર સામે વિરોધ
વડાપ્રધાન નરેન્દ્રમોદીના ભાઇ પ્રહલાદ મોદી ફરી ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રથી નારાજ થયા છે. ગુજરાત સરકારે રાજ્યના બાવીસ હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારોને મહિને વીસ હજાર કમિશન મળી રહે તે અંગેનું જાહેરનામું પરિપત્ર રુપે બહાર પાડવામા આવ્યું હતું. આ પરિપત્રમાં 99 ટકા આધારકાર્ડ લિંક વેચાણ થાય તે જ દુકાનદારને માસિક રુ 20 હજાર આપવાની જોગવાઇ કરાઇ છે, ગુજરાત સરકારે બહાર પાડેલા આ પરિપત્રથી સસ્તા અનાજના દુકાનદારો ફરી આકરા પાણીએ થયા છે.
આ પરિપત્રમાં આધારિત વિતરણ વ્યવસ્થાને લઇને એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ વાંધો ઉઠાવ્યો છે. પ્રહલાદ મોદી ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે.
પ્રહલાદ મોદીએ કહ્યું છે સરકારે આ નિયમ હટાવી લેવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ આધારકાર્ડ સાથે રેશનકાર્ડનું કેવાયસી સર્ટી ફિકેટ આપે અથવા એસોસિએશન આ મામલે કોર્ટમાં જશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય ભરના સસ્તા અનાજના દુકાનદારોએ તેઓની લાંબાગાળાની પડતર માગણીઓના અનુસંધાનમાં દિવાળીના તહેવારો પહેલા અચોક્કસ મુદતની હળતાળ પાડી હતી. આ વખતે સમાધાન થતા સરકારે દિવાળી બાદ ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. પણ પરિપત્રમાં મુકેલા નિયમોથી પ્રહલાદ મોદી નારાજ થયા છે.