મદદ કરવાના બહાને પ્રૌઢનું ATM કાર્ડ બદલી ગઠિયાએ રૂા.45 હજાર ઉપાડી લીધા
શહેરમાં એટીએમમાં પૈસા ઉપાડવા જતાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ગઠીયા મદદ કરવાના બહાને રૂપિયા ઉપાડી લઈ છેરપીંડી આચરતા હોવાના બનાવો અવાર નવાર સામે આવતાં રહે છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં શાસ્ત્રીમેદાન પાસે જવાહર રોડ પર એસબીઆઈના એટીએમમાં મદદ કરવાના બહાને પ્રૌઢનું એટીએમ કાર્ડ બદલી ગઠીયાએ રૂા.45 હજાર ઉપાડી લીધા હાતં. આ અંગે પોલીસે પ્રૌઢનાં ફરિયાદ પરથી ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં બોદુભાઈ હસનભાઈ સોલંકી (ઉ.60) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનું એસબીઆઈની રીંગ રોડ બ્રાંચમાં ખાતું હોય દરમિયાન 30/1નાં રોજ તેઓ જવાહર રોડ પર આવેલી જીમખાના બ્રાંચના એટીએમ રૂમમાં પૈસા જમા કરાવવા ગયા હતાં. દરમિયાન પૈસા જમા કરાવવાની પ્રોસેસ કરતાં હતાં કરતાં હતા ત્યારે બાજુમાં એક અજાણ્યો શખ્સ ઉભો હોય જેને મદદ કરાવવાના બહાને સાથે રહી પ્રોસેસ પુરી થયા બાદ તે શખ્સે મારૂ એટીએમ કાર્ડ મશીનમાંથી કાઢીને મને આપી દીધું હતું જેથી તેઓ ઘરે જતાં રહ્યા હતાં.
બાદમાં રાત્રે તેના મોબાઈલમાં રૂા.20 હજાર ઉપડી ગયાને મેસેજ આવતાં તેમને શંકા જતાં તેમણે એટીએમ કાર્ડ તપાસતા તે કોઈ જમનભાઈ માલવીયાના નામનું હોય જેથી અજાણ્યા શખ્સે મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ બદલાવી લીધું હતું, બાદમાં તેમણે ગુગલ પે એકાઉન્ટમાં તપાસતાં રૂા.45 હજાર એટીએમ કાર્ડ દ્વારા ઉપાડી લીધા હોય જે અંગે પોલીસમાં જાણ કરતાં એ-ડીવીઝન પોલીસને પ્રૌઢની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પીએસઆઈ પી.કે.ગામેતીએ વધુ તપાસ હાથ ધરી છે.