ભાણવડમાં કમોસમી વરસાદના મુદ્દે મગફળીની અંતિમયાત્રા કાઢી, આવેદન અપાયું
આપ દ્વારા નવતર રીતે વિરોધ સાથે રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી વરસાદના કારણે ભાણવડ તાલુકાના ખેડુતોના તૈયાર પાકને વ્યાપક નુકસાની થતા આ અંગે ખેડૂતોને તાત્કાલીક વળતર ચુકવવા બાબત નસ્ત્રઆપનસ્ત્ર દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ભાણવડ તાલુકાના ખેડુતોના તૈયાર પાક નષ્ટ થઈ ગયા છે. જેથી ખેડુતોની ચાર મહિનાની મહેનત જાણે વરસાદમાં ધોવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ તાલુકાના ખેડુતોને તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે તેમજ ઓગષ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકસાનીનું સરવે થઈ ગયુ હોવા છતા સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી ન હોય, જે પણ તાત્કાલીક જાહેર કરવામાં આવે એ મુદ્દે ભાણવડના મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આપના કાર્યકરો દ્વારા નવતર વિરોધ વ્યક્ત કરતા મગફળી અને કપાસની અંતિમયાત્રા કાઢીને કરવામાં આવેલી રજૂઆતમાં ખેડુતોને તાત્કાલીક સહાય ચુકવવામાં આવે એવી માંગ સાથે આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.