19મીએ મુખ્યમંત્રી રાજકોટમાં, 500 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મહાનગરપાલિકાના સ્થાપનાદિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન, નવનિર્મિત કોમ્યુનિટી હોલ સહિતના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જાહેરસભા અંગે સીએમઓના જવાબની જોવાતી રાહ
મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિતે તા.19ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ પધાશે. તેમના હસ્તે અલગ-અલગ 500 કરોડના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીની જાહેર સભા અંગે હજૂ સુધી સીએમઓ દ્વારા જાણકારી આપવામાં આવેલ ન હોય જાહેર સભા યોજાશે કે કેમ ? તે અંગે તંત્ર દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી નથી. છતા મહાનગરપાલિકાના સંતોષપાર્ક મેઇન રોડ પર બનેલા અદ્યતન કોમ્યુનિટી હોલના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભાગ લેશે જયારે રેસકોર્ષ ખાતે યોજાનાર રાત્રીના કાર્યક્રમોમાં ઉપસ્થિત નહીં રહે તેમ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાનો તા.19મીના રોજ સ્થાપના દિવસ છે. દર વર્ષે તંત્ર દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે તંત્ર દ્વારા શહેરીજનોને નવા પ્રોજેકટોની ભેટ આપવામાં આવે છે.
જેમાં આ વર્ષે પણ સ્થાપના દિન નિમિતે મુખ્યમંત્રીએ કોર્પોરેશનના આમંત્રણનો સ્વીકાર કરતા તંત્ર દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ ખાતમુહૂર્ત અને લોકાર્પણ હજૂ પ્રાથમિક તબકામાં હોવાથી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. તેમજ તા.19ના રોજ મુખ્યમંત્રીની જાહેર સભા અથવા ડાયસકાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
પરંતુ મુખ્યમંત્રી તા.19ના રોજ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાના હોય જાહેર સભા સીએમઓ કાર્યાલય તરીકે કોઇ જાતની સૂચના આવી નથી. તેવી જ રીતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો ઉપરાંત રેસકોર્ષ ખાતે સંગીત સંઘ્યાનું આયોજન પણ કરવામા આવનાર છે. જેમાં પ્રોટોકોલના કારણે મુખ્યમંત્રી ઉપસ્થિત રહે તેવી સંભાવના નહીંવત હોવાની તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
શહેરને મળશે વધુ એક આધુનિક કોમ્યુનિટી હોલ
મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેયઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. મધ્યવર્ગીય પરિવારો પોતાના પ્રસંગો ઓછા ખર્ચે ઉજવી શકે તેવુ આયોજન મનપાએ કરેલ છે. બે વર્ષ પહેલા નાણાવટી ચોક પાસે સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર અદ્યતન કોમ્યુનિટી હોલનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. જે હવે પૂર્ણ થઇ જતાં મનપાના બાંધકામ વિભાગ દ્વારા આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવા માટેની તૈયારીઓ આરંભી છે. આથી શહેરીજનોને 150 ફૂટ રીંગ રોડ પર વધુ એક આદ્યુનીક કોમ્યુનિટી હોલની ભેટ મળશે.