પત્નીનો અકસ્માત થતાં ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પીએસઆઈએ રજિસ્ટર એ.ડી. કરવાનું કહ્યું
રાજકોટ શહેર પોલીસ દ્વારા અરજદારોને હેરાન કરતા હોવાની ફરિયાદો અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે આવા જ એકબનાવમાં પત્નીનો અકસ્માત થતાં વૃદ્ધ પતિ ફરિયાદ કરવા જતા યુનિવર્સિટી પોલીસે સ્ટેશનના મહિલા પીએસઆઈએ ફરિયાદ લેવાના બદલે વૃદ્ધને રજીસ્ટર એડી કરવાનું કહ્યું હતુ જેથી વૃદ્ધે રજીસ્ટર એડી કરવા છતાં ફરિયાદ ન લેતા મામલો ઉપરી અધિકારી સુધી પહોંચતા આખરે 23 દિવસ બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર સવન સિગ્નેટ ફ્લેટમાં રહેતા અને લાખાજીરાજ રોડ પર સાડીની દુકાનમાં કામ કરતા મનોહરલાલ ભગવાનદાસ મુજર્દી (ઉ.વ.68) નામના વૃદ્ધના પત્ની ભારતીબેન ગત તા. 12-11ના રોજ બપોરે ઘર નજીક દુધ લેવા ગયા ત્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. જેમાં પત્નીને પગમાં ઈજા થઈ હતી.
જે અંગે તેઓ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચતા ફરજ પર હાજર જયશ્રીબેને ઈન્વે રૂમમાં જવાનું કહ્યું હતું ઈન્વે રૂમમાં કોઈ હાજર ન હોવાથી ઘરે જતાં રહ્યા હતા અને સાંજે ફરી પોલીસ સ્ટેશને જતા ઈન્વે રૂમમાં પીએસઆઈ મિશ્રા હાજર હોય જેમને બનાવની જાણ કરતા પીએસઆઈ મિશ્રાએ રજીસ્ટર એડી કરી દેવાનું કહ્યું હતું જેથી વૃદ્ધે રજીસ્ટર એડી કરવા છતાં ફરિયાદ લીધી ન હતી. જેથી વૃદ્ધ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીને મળીને રજૂઆત કરતા આખરે બનાવના 23 દિવસ બાદ પીઆઈ એમ.જી. વસાવાએ ફરિયાદ નોંધી અકસ્માત સર્જી નાશી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.