SIRની કામગીરીમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપે છે, શિક્ષકની આપઘાતની ચીમકી
ગુજરાતમાં શિક્ષકોની અન્ય સરકારી કામગીરી અંગેના આક્રોશનું એક ગંભીર ઉદાહરણ ગોધરામાંથી સામે આવ્યું છે, જ્યાં એક પ્રાથમિક શિક્ષકે સરકારી તંત્રના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.ગોધરાની એક શાળાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને આ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમને એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.
આ કામગીરીને લઈને તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓ આત્યંતિક પગલું ભરવા મજબૂર બન્યા છે. વિનુભાઈએ આક્ષેપ કર્યો કે, શિક્ષકો મોડી રાત સુધી SIRનું કામ કરે છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા તેમને હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. એક જવાબદાર શિક્ષકે આવો ગંભીર વીડિયો વાયરલ કરતા જ શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક શિક્ષક સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે શિક્ષક વિનુભાઈ બામણીયાએ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે, SIRની કામગીરીના ભારણને હળવું કરવા માટે તંત્ર દ્વારા બી.એલ.ઓ. સાથે સહાયક બી.એલ.ઓ.ની નિમણૂક કરવામાં આવી છે.
સી.કે. રાઉલજીએ વધુમાં જણાવ્યું કે, SIRની કામગીરી માટે બી.એલ.ઓ.ની સાથે સરપંચો, નગરપાલિકાના સભ્યો, તેમજ સૌ કાર્યકરો પણ જોડાશે, જેથી શિક્ષકો પરનો કામગીરીનો બોજ ઘટી શકે. જોકે, શિક્ષક પરના માનસિક ત્રાસના આ ગંભીર આરોપોએ સરકારી કામગીરીના નામે શિક્ષકોની થતી પરેશાનીઓ પર સવાલ ઉભા કર્યા છે.