For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અધિકારીઓ માનતા નથી: ખુદ ભાજપના સભ્યોનો બળાપો

04:02 PM Sep 20, 2025 IST | Bhumika
અધિકારીઓ માનતા નથી  ખુદ ભાજપના સભ્યોનો બળાપો

ખાડા-ખરાબ રોડ રસ્તા સહિતની લોકોની સમસ્યા અને ચારેય બાજુથી વિસાવદર વાળી ચિમકીઓ સાંભળી અકળાય ઉઠેલા ભાજપના કોર્પોરેટરોનો રોષ જનરલ બોર્ડમાં જોવા મળ્યો

Advertisement

જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ જ વિપક્ષની ભૂમિકામાં, સામાન્ય કામો પણ અધિકારીઓ કરતા નથી

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શાસક પક્ષના સભ્યો આજે વિપક્ષની ભૂમિકામાં જોવા મળ્યા હતા. રોડ-રસ્તા સહિતના કામો અંગે લોકોના બળાપાની અસર બોર્ડમાં જોવા મળી હતી. શાસકપક્ષના સભ્યોએ અધિકારીઓ માનતા નથી અને કામ ન કરતા હોવાના આક્ષેપ કરી તેમના વિરૂધ્ધ પગલા લેવા માટે મેયર અને મ્યુનિ.કમિશનરને જોરદાર રજૂઆત કરી હતી. જ્યારે વિરોધ પક્ષે રોડ રસ્તાના ભ્રષ્ટાચાર મુદ્દે બેનરો બતાવી બોર્ડની કામગીરીમાં ખલેલ પહોંચાડતા તેમને બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્ડા અને અરજન્ડ રજૂ થયેલ 18 દરખાસ્તને સર્વાંનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

મનપાના આજના જનરલ બોર્ડમાં વિરોધપક્ષ દ્વારા કરવામાં આવતુ કામ શાસકપક્ષના સભ્યોએ કર્યુ હતું. ભરી સભામાં વિનુભાઇ ધવા અને ચેરમેન જયમીનભાઇ ઠાકરે મેયર અને મ્યુનિ.કમિશનર સંબોધી જણાવેલ કે, ઉપલા અધિકારીઓના આદેશ હોવા છતા નીચલા કર્મચારીઓ માનતા ન હોય એક પણ વિભાગ અમારુ કહ્યું માનતુ નથી. એક રાસોત્સવની બાજુમાં ઝુપડાઓના દબાણ દુર કરવા માટે ચેરમેન સહિતનાઓ દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી છતાં કાર્યવાહી હાથ ધરાઇ નથી. આથી કામ ન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ પગલા લેવામાં આવે આમ આજના બોર્ડમાં લોકોના પ્રશ્ર્નો હલ ન થતા ગળે આવી ગયેલ શાસકપક્ષના સભ્યોએ દોષનો ટોપલો અધિકારીઓ ઉપર ઢોળી લોક રોષથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જેના લીધે વિપક્ષે ગેલમાં આવી ગયો હતો.

જનરલ બોર્ડમાં વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ કરેલ કામગીરીનો હિસાબ આપવાના બદલે ભ્રષ્ટાચાર બંધ કરો તેમ કહી બેનરો સાથે બોર્ડની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે શાસક પક્ષના સભ્યો તેઓને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે તેવી અપીલ મેયરને કરતા વશરામભાઇએ જણાવેલ કે,અમે બોલ્યે નહીં તો શું તમને ભ્રષ્ટાચાર કરવા દેવાનો આમ કહેતા અધ્યક્ષની સૂચનાથી વિપક્ષીનેતા સહિતનાઓને જનરલ બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ એક પ્રશ્ર્નના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરી એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી. આજના બોર્ડમાં કાર્યવાહી શરૂ કરતા પહેલા મનપાના સ્વ. પૂર્વ કોર્પોરેટર નાથીબેન ઝરીયાને શ્રધ્ધાંજલી આપી બે મિટીન મૌન પાળવામાં આવેલ ત્યારબાદ જીએસટી 2.0ને આવકારી સરકારની કામગીરી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને એજન્ડામાં રજૂ થયેલ વન ટાઇમ ઇન્સ્ટ્રોલમેન્ટ વેરા યોજનાની મુદ્દત વધારવા તેમજ વોર્ડ નં.17 અને વોર્ડ નં.4માં માર્ગનું નામ કરણ તથા મોરબી રોડ પર આવેલા જૂના જકાતનાકા ચોકને સિંદૂર ચોક નામ કરણ અને સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીયાને કમિશનર વિભાગમાં ટ્રાન્સફર કરવા તેમજ અન્ય ત્રણ ચોકનું નામ કરણ અને રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ કોમર્શિયલ હેતુ માટે આપવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ જ્યારે અરજન્ટ દરખાસ્તમાં ઘંટેશ્ર્વરથી 150 ફૂટ રીંગરોડ વાળા ચોકને મહિપતસિંહ મોહનસિંહજી જાડેજા ચોક નામ કરણ અને રેલનગરમાં આવેલ અમૃત રેસીડેન્સી ચોકને ધોધનભાઇ પરસાણા ચોક નામ કરણ કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામા આવી હતી.

ભાજપ કોર્પોરેટર રાજશ્રીબેન ડોડીયાએ બાળક અને ઘોડીયા સાથે બોર્ડમાં હાજરી આપી

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં નિયમ મુજબ તમામ કોર્પોેરેટરો હાજરી આપવાની હોય છે. છતાં અગમ્ય કારણોસર રજા રીપોર્ટ મૂકી સભ્યો ગેરહાજર રહી શકે છે. ત્યારે આજના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર રાજશ્રીબેન ડોડીયા પોતાના બાળકને દેખરેખ રાખી શકાય અને બોર્ડમાં હાજરી પણ આપી શકાય તેવો નિર્ણય લઇ આજે પોતાના બાળકને ઘોડીયામાં લઇ જનરલ બોર્ડમાં ઉપસ્થિતિ રહી પોતાના સ્થાન ઉપર બેસી જનરલ બોર્ડની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.

ભ્રષ્ટાચાર હાય...હાય... અને ભાગરે કોંગ્રેસ હાય...હાય...ના નારાથી બોર્ડ ગાજ્યું
મનપાના જનરલ બોર્ડમાં પ્રજના પ્રશ્ર્નો અને રજૂ થયેલ એજન્ડા અંગે વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા ચર્ચા કરી લોકોના પ્રશ્ર્નો હલ કરતા હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડમાં કયારેય પણ લોક પ્રશ્ર્નો અંગે ચર્ચા થય જ નથી મોટા ભાગે પ્રથમ પ્રશ્ર્ન શાસક પક્ષના સભ્યોનો ઢંગધડા વગરનો હોવાના કારણે એક પ્રશ્ર્નના જવાબમાં બોર્ડનો સમય પૂરો કરી નાખતો હોય છે. આ વખતે વિપક્ષ પાસે ચાર સભ્યોનું સંખ્યા બળ છે. જેની સામે શાસક પક્ષનો 68 સભ્યોનો કાફલો છે. છતાં ચાર સભ્યો દ્વારા વિરોધ થાય ત્યારે ભાજપના સભ્યો પણ છાપામાં ચમકવાની લ્હાયમાં વિરોધ કરવા ઉભા થઇ જતા હોય છે. જેવુ આજના બોર્ડ પણ બનવા પામેલ વિરોધ પક્ષને જવાબ આપવો જરૂરી હોય તેમ શાસકપક્ષના તમામ સભ્યોએ સ્ટે.ચેરમેનની આગેવાનીમાં ભાગરે કોંગ્રેસ હાય.. હાય...ના નારે લગાવેલ જેની સામે વિપક્ષે પણ ભ્રષ્ટાચારના નારા લગાવી જનરલ બોર્ડને યુધ્ધનું મેદાન બનાવી દીધુ હતું.

ઝૂપડા નહીં હટે તો સાંજે બઘડાટી બોલશે વિનુ ધવાનો બોર્ડમાં ધ્રુજારો
મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા મનભાવે તેમ સામ સામી આક્ષેપ બાજી થતી હતી તે દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા વિનુભાઇ ધવાએ ખોડલધામ રાસોત્સવના ગેઇટ પાસે ખડકાયેલા ઝૂપડાઓનું દબાણ દૂર કરવામાં ટીપી વિભાગ ઉંણો ઉતરતા મેયરને અને કમિશનરને ચિમકી આપતા હોય તેવા શબ્દોમાં જણાવેલ કે, દબાણો દૂર નહીં થાય તો સાંજે બઘટાડી બોલશે પછી મને ન કહેતા તેવું બોલતા કમિશનર સહિતનાઓ સમસમીને બેસી ગયેલા જોવા મળ્યા હતા.

અમને કાઢવાની તમારી હસ્તી નથી: વરશામ સાગઠિયા
મનપાના જનરલ બોર્ડમાં બંન્ને પક્ષની ગરમા ગરમી દરમિયાન સ્ટે.ચેરમેન સહિતનાએ વિપક્ષને બોર્ડ બહાર કાઢવાની મેયરને રજૂઆત કરતા અને ભાગરે કોંગ્રેસે હાય...હાય...ના નારા લગાવતા ઉકળી ઉઠેલા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવેલ કે, ભ્રષ્ટાચાર રોકવા માટે અમે કાયમી બોલવાના જ છીએ અને શહેર તથા બોર્ડમાં કે, મનપામાંથી અમને બહાર કાઢવાની તમારી હસ્તી નથી. તેવુ જણાવી તેઓ જનરલ બોર્ડની બહાર નિકળી ગયા હતા.

બોર્ડ ચાલવા દો અથવા બહાર નીકળો: સ્ટે.ચેરમેન

આજના જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ર્નના જવાબ દરમિયાન વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા બોર્ડની કામગીરી અટકાવી રોડ રસ્તાના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, વિપક્ષ દ્વારા લોકોના પ્રશ્ર્નોની રજૂઆત કરવાના બદલે ફકત ફોટો પડાવવા માટે વિરોષ પ્રદર્શન કરી બોર્ડમાં ગેરબંધારણીય રીતે ચીજ વસ્તુઓ લઇ આવી નિયમનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. આથી આગામી બોર્ડમાં કડક નિયમો બનાવવામા આવે અને વિરોધ પક્ષ બોર્ડને નિયમ મુજબ ચાલવા દે અથવા બોર્ડની બહાર નીકળી જાય તેમ કહી મેયરને વિપક્ષને બહાર કાઢવાની સૂચના આપી હતી.

ડોર ટુ ડોર નો મતલબ શું ?: નિલેશ જલુ
જનરલ બોર્ડમાં આજે મોટાભાગના શાસક પક્ષના સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. જેમાં ખાસ કરીને ભાજપના કોર્પોરેટર નિલેશભાઇ જલુએ જણાવેલ કે, 1315 કરોડની સરકારની ગ્રાન્ટનો સદ્ઉપયોગ કરવા માટે ગત વર્ષ કરતા બમણા ભાવથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. છતાં શહેર ભરમાં કચરાના ઢગલાઓ આજે પણ જોવા મળી રહ્યા છે. તેમજ 520 ના બદલે 1100 કરોડમાં ઘરે ઘરેથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. છતા ટીપરવાન વાળાઓ સોસાયટીના ખૂણે ઉભા રહી સિટીમારી કચરો નાખવા માટે લોકોને બોલાવી રહ્યા છે અને મહિલાઓ પોતાના ઘરથી દૂર ચોકમાં ઉભેલ ટીપર વાનમાં કચરો નાખવા મજબૂર બની રહી છે. ત્યારે ફરી વખત જૂન પધ્ધતિ શરૂ થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. કોન્ટ્રાક્ટના નિયમ મુબજ ટીપરવાનના ક્ધડકટર દ્વારા ઘરે ઘરેથી કચરો ઉઘરાવવાનો હોય છે. તેના બદલે લોકોની સમસ્યામાં વધારો થયો છે. આથી અબજો રૂપિયાના ખર્ચે આપવામાં આવેલ કોન્ટ્રાક્ટનું ફળ લોકોને મળતુ નથી આથી કોન્ટ્રાક્ટ વિરૂધ્ધ પગલા લઇ નિયમની સખ્ત અમલવારી કરાવવામાં આવે.

બોર્ડમાં પણ જૂથવાદ ઝકળ્યો, મેયરને સાણસામાં લેવાનો થયો પ્રયાસ
મહાનગરપાલિકામાં ભાજપના શાસકોમાં ધણા સમયથી જૂથવાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મહિલા મેયરને ટાર્ગેટ બનાવવાનો એક જૂથ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો તેવુ ચિત્ર ઉપસી આવ્યુ છે. ત્યારે જ આજના જનરલ બોર્ડમાં વિપક્ષના હોબાળા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યોએ અધ્યક્ષ સ્થાને બેઠેલા મેયરને ઓર્ડર કરતા હોય તેમ વિપક્ષને બહાર કાઢવાની અવાર નવાર સૂચનાઓ આપતા હતા છતાં મેયર ટસના મસ ન થતા અનેક શાસક પક્ષના સભ્યો ઉકળી ઉઠયા હતા અને આ બેનતો માનતા જ નથી તેવો ગણગણાટ કરતા નજરે પડ્યા હતા. આથી આ મુદ્દેના લઇને અધિકારીઓ અને શાસક પક્ષના અમૂક સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement