વિસાવદરમાં કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો
વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી હવે વિવાદના વાવેતર કરી રહી છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધા ઉઠાવ્યા હતા.
અપક્ષ રજનીકાંત વાઘાણીએ આક્ષેપ કર્યો કે કિરીટ પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તે સરકાર દ્વારા નક્કી કરેલા અધિકૃત નમૂનાથી જુદું છે. તેમણે દાવો કર્યો કે સરકારના ફોર્મેટને બદલે પોતાના સ્વમર્જીથી તૈયાર કરેલ ફોર્મ શપથનામા તરીકે રજૂ કરાયું છે, જે ચૂંટણી નિયમોના ઢાંચાને બહાર ગણાય છે.
રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે, સૂચિત નમૂનાથી અલગ રીતે સોગંદનામું રજૂ કરવું ઉમેદવારી ફોર્મ રદ કરવાનો આધારભૂત કારણ બને છે. અમે લેખિતમાં વાંધાની અરજી રજૂ કરી છે અને જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈશું.
અપક્ષ ઉમેદવારના મતે કિરીટ પટેલે ફોર્મમાં કેટલીક માહિતી છુપાવી છે, અને કેટલીક વિગતો ખોટી રીતે રજૂ કરી છે. આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવતા રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે, જ્યારે નિયમો તમામ માટે સરખા હોય, ત્યારે વિપક્ષના ઉમેદવાર માટે અલગ રીતથી ફોર્મ માન્ય રાખવું ખોટું છે.
આ મામલે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી સી.પી. હિરવાણિયાએ માહિતી આપી કે, કુલ 31 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 22 ફોર્મ માન્ય રખાયા છે. કેટલાક ફોર્મમાં ઉમેદવારો દ્વારા વાંધા રજૂ થયા છે. દરેક રજૂઆતની કાયદેસર ચકાસણી કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અધિકારીએ ઉમેર્યું કે, સોગંદનામું ફોર્મેટ અંગે જે વાંધા આવ્યા છે, તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.