PMનો જન્મદિન બેરોજગારી દિવસ તરીકે ઉજવતું NSUI
17મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વધતી જતી બેરોજગારી અને યુવાનોના ભવિષ્ય સામેના ગંભીર પ્રશ્નો અંગેના વિરોધમાં ગુજરાત પ્રદેશ NSUI દ્વારા "રાષ્ટ્રીય બેરોજગારી દિવસ" તરીકે ઉજવણી કરવામા આવી. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન યુવાનોની રોજગારીની સમસ્યા તરફ દોરવાનો છે. બેરોજગારી માત્ર આર્થિક સમસ્યા નથી. તે એક સામાજિક સમસ્યા પણ છે. જ્યારે યુવાનોને કામ નથી મળતું, ત્યારે તેઓ હતાશ થાય છે તેમનામા નિરાશા ઘર કરી જાય છે. આ નિરાશા તેમને ખોટા રસ્તે દોરી શકે છે. પરિવારનું ભવિષ્ય અંધકારમય બને છે કોટેચા ચોકમા વિરોધ પ્રદર્શન કરતા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાત, જે વિકાસનું ગણાતું રાજ્ય છે, ત્યાં આજે યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે. લાખો યુવાનો ડિગ્રીઓ લઈને પણ બેકાર છે. સરકારની આયોજનહીન નીતિઓ અને ભરતી પ્રક્રિયામા પારદર્શિતાનો અભાવ યુવાનોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યો છે. સરકાર દ્વારા દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાના વચનો આપવામાં આવ્યા હોવા છતાં, આજે લાખો યુવાનો બેરોજગાર છે. સરકારી વિભાગોમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી તેમજ જે ભરતીઓ થાય છે તેમાં પણ પેપર લીક થવા જેવી ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.