યાજ્ઞિક રોડ ઉપર હોટલમાં ઉતરેલા NRI જયોતિષિનું હાર્ટએટેકથી મૃત્યુ
લંડનથી નિયમિત રાજકોટ આવતાં હતા મુકુંદભાઈ પટેલ
મુળ લોધીકાના મોટી મેંગણીના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ટેરો કાર્ડ રીડર કેપ્ટન માઈક પટેલ તરીકે ઓળખાતા મુકુંદભાઈ કુરજીભાઈ પટેલ (ઉ.વ.72)નું રાજકોટની હોટેલમાં હૃદય રોગનો હુમલો આવી જવાથી મૃત્યુ થયું છે. તેઓ દર બે મહિને લંડનથી રાજકોટ આવતાં હતાં.
વધુ વિગતો મુજબ,લંડન રહેતાં મુકુંદભાઈ કુરજીભાઈ પટેલ (ઉ.વ.72) ગત તા. 4/10ના રોજ લંડનથી રાજકોટ આવ્યા હતાં અને અહિ ડો.યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ ખાતે રોકાયા હતાં.તેઓ ટેરો કાર્ડ રીડર (જ્યોતિષ) તરીકે કામ કરતાં હતાં. આ કારણે દર બે મહિને રાજકોટ આવતાં હતાં. તેઓ બે ભાઈ અને એકબહેનમાં મોટા અને અપરિણીત હતાં.
મોટી મેંગણીના વતની મુકુંદભાઈ પટેલ અને તેમના બીજા ભાઈઓ, બહેન સહિતના વર્ષોથી લંડન સ્થાયી થયા છે.મુકુંદભાઈ પટેલ કે જેઓ પાઇલોટનું લાયસન્સ ધરાવતાં હોઈ કેપ્ટન પટેલ તરીકે પણ ઓળખાતા હતાં.
ટેરો કાર્ડ રીડરના સારા જાણકાર એવા મુકુંદભાઈ ગત સાંજે હોટેલ ખાતે હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવતાંતેમની સાથેના વ્યક્તિએ 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં અને રાજકોટ રહેતાં સગાઓને જાણ કરતાં બધા હોસ્પિટલે પહોંચ્યા હતાં.
જો કે સારવાર દરમિયાન મુકુંદભાઈ પટેલનું મૃત્યુ નિપજતાં શોક છવાઈ ગયો હતો.તેઓના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂૂ, અમૃતભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ હુદડે જાણ કરતાં એ-ડિવીઝનના રમેશભાઈ ચૌહાણે જરૂૂરી કાર્યવાહી કરી હતી.