હવે તલાટીઓ કૂતરા શોધવા નીકળશે, ગામડાથી માંડી જિલ્લા મથક સુધી જવાબદારી
સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર, પંચાયતોને ફિડીંગઝોન બનાવવા સુચના
ગુજરાતમાં શિક્ષકોની શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે હવે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પંચાયતોને રખડતા કુતરા માટે ફિડીંગ ઝોન બનાવવા સુચના અપાઇ છે.
ગુજરાતમાં શિક્ષકોની શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે હવે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની સૂચના આપવામાં આવી છે. ગ્રામ વિકાસ કમિશનર તરફથી તલાટીઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પરિપત્ર કરવામાં આવ્યો છે.ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી મંત્રી, તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ નિયામક(પશુપાલન) દરેક સંસ્થાએ પરિસરની સ્વચ્છતા અને રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાના રહેશે. જેમની વિગતો નોડલ અધિકારીના કાર્યક્ષેત્ર હેઠળની તમામ સરકારી સંસ્થાઓના પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાની રહેશે.
નોડલ ઑફીસરની નિયુક્તિ અંગેના હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવાના રહેશે. સંસ્થાના વહીવટી વડાઓએ નોડલ ઑફીસરની દેખરેખ હેઠળ, આઠ અઠવાડિયામાં તેમના પરિસરમાં રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે પૂરતી વાડ, બાઉન્ડ્રી વોલ, ગેટ્સ અને અન્ય જરૂૂરી માળખાકીય પગલાં લેવાના રહેશે.
ગ્રામ વિકાસ કમિશનર તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, સુપ્રિમ કોર્ટે દેશભરમાં રખડતા શ્વાનના હુમલા અને રસ્તા પર રખડતા પશુઓથી થતા અકસ્માતોની ગંભીરતાને ધ્યાનમાં લઈને વ્યાપક નિર્દેશો જારી કર્યા છે. આ આદેશની જોગવાઈઓનો રાજ્યના તમામ જિલ્લાઓમાં તાત્કાલિક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવે છે.