For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે

11:32 AM Jun 04, 2025 IST | Bhumika
હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું e kyc કરશે

Advertisement

ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને 30 જૂન 2025 સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સુવિધા પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધીમા ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભ ખાસ કરીને એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળશે. આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમા સ્થિત 8,800 થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. બધા રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે, ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા પુરવઠા અધિકારી સાથે સંકલન કરીને, તેઓ રેશનની દુકાનો અને સમુદાય શિબિરોમાં ઇ-કેવાયસી સેવા પણ પૂરી પાડી રહ્યા છે.

Advertisement

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે. જો કોઈ પણ રેશનકાર્ડ ધારકનો મોબાઈલ નંબર આધારમાં અપડેટ ન થયો હોય, તો ડાક વિભાગ પહેલા આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને બાદમાં તે રેશનકાર્ડ ધારકનો ઈ-કેવાયસી કરશે. જો કોઇ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય, તો આ સેવાનો લાભ લેવા માટે, રેશનકાર્ડ ધારક તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અને સુલભ શાસન તરફ એક મોટું પગલું છે, જેના દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગજનો, બીમાર વ્યક્તિઓ અને મહિલાઓને ટેકનોલોજી દ્વારા સરળ અને ગૌરવપૂર્ણ સેવા મળી રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement