હવે રેશનકાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલીમારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે. રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.
આ નવા નિયમ લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.