હવે વિદ્યાર્થીઓના આધારકાર્ડ માટે વાલીઓને ફરી સરકારી કચેરીઓના ધક્કા
વિદ્યાર્થીઓના ઇ-કેવાયસી બાદ હવે આધારકાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે. એક સમસ્યામાંથી અને લાઇનમાં ઉભા રહેવાથી નવરા નહીં થયેલા છાત્રો-વાલીઓને વધુ એક લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનવુ પડયુ છે. અપારકાર્ડ માટે આધારકાર્ડ જરૂરી છે. આધારકાર્ડની વિસંગતતાના કારણે વાલીઓને ફરી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે.
કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુન્ડ આઈડી કાર્ડ કરવા અપાર આઈડીનું નવુ ગતકડુ કઢાયુ છે. જેમાં શિક્ષકોને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમીક એકાઉન્ટ રજીસ્ટ્રી એટલે અપાર આઈડી બનાવવાની કામગીરી સોંપાઈ છે.
પરંતુ તેમાં પળોજણોનો પાર ન હોવાની રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘે રાજયના શિક્ષણ મંત્રીને લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ અપાર આઈડીમાં બાળકનું નામ જનરેટ કરવા વડી કચેરીએથી દબાણ કરાઈ રહ્યુ છે.
પરંતુ અપાર આઈડી જનરેટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જેમાં આધારકાર્ડમાં એક અક્ષરની ભુલ હોય તો અપાર આઈડી જનરેટ થતુ નથી. આધારકાર્ડમાં સુધારા માટે શાળા કક્ષાએ કેમ્પ કરવા જરૂૂરી છે. આધારકાર્ડના ખોટા રેકર્ડ મુજબ યુ ડાયસના સાચા રેકર્ડને ખોટો કરવો પડે છે. દરરોજ વડી કચેરીએથી અપાર આઈડી જનરેટના ફીગર મંગાવાય છે. હાલ વિદ્યાર્થીઓની સંખ્યાના 12 થી 15 ટકા જ નામો મેચ આવે છે. વાલી બાળકના આધારકાર્ડમા સુધારો કરાવે તો પણ અપડેટ થતા વાર લાગે છે. આથી આ કામગીરી હળવી બને તેવી કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે.