હવે જયરાજસિંહ જાડેજાનો વારો? નિલેશ રૈયાણી હત્યા કેસમાં સખળડખળની તૈયારી
સ્થાનિક આગેવાન અને વકીલની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર
સૌરાષ્ટ્રના સૌથી સંવેદનશીલ મનાતા ધારાસભા મત વિસ્તારમાં છાસવોર રાજકીય ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં સ્વ.પોપટપભાઇ સોરઠીયા હત્યાકેસમાં રીબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાની સજામાફીનો હૂકમ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી રદ થયા બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામેના જૂના કેસો સંદર્ભેે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા તૈયારી શરૂ થઇ છે.
ગોંડલના બહુચર્ચિત નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા હાલ જામીન ઉપર હોય તેની સામે સુપ્રીમકોર્ટમાં અરજી કરવા સ્થાનિક આગેવાનોએ તૈયારી કર્યાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જો કે, વકિલ અને આગેવાનો વચ્ચેની વાતચીતની આ ઓડિયો ક્લિપ કોણે વાયરલ કરી ? તેમજ ઇરાદા પૂર્વક વાયરલ કરવામાં આવી છે કે, કેમ ? તે સવાલો ઉઠી રહયા છે.
એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેમાં જગદીશ સાટોડિયાના નામે વકીલ સાથે વાતચીત કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ છે. અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થયા બાદ હવે આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચર્ચાનો માહોલ જામ્યો છે. જો કે, આ ઓડિયો ક્લિપ સાચી છે કે, મોર્ફ કરેલી છે તે અંગે ‘ગુજરાત મિરર’ કોઇ પુષ્ટી કરતું નથી.
ગોંડલનાં બહુચર્ચિત નિલેશ રૈયાણી હત્યાકાંડમાં જયરાજસિંહ હાલ જામીન પર બહાર છે. પરંતુ, તાજેતરમાં તેમના નામ સાથે જોડાયેલી એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ ક્લિપમાં જગદીશ સાટોડિયા અને કોઈ વકીલ વચ્ચેની કથિત વાતચીતમાં જયરાજસિંહ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ છે.