રામભાઈએ સળગાવેલા તોલમાપખાતાના તોડકાંડમાં હવે ACની એન્ટ્રી
પીડિત વેપારી હરિસિંહને ACનું તેડું, અધિકારીઓએ 37500 ઉઘરાવી ફક્ત 12000ની પહોંચ આપી બાદમાં 25000 ઓફિસે પરત આપી ગયા
ગઈકાલે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ લેખીતમાં પ્રેસનોટ જાહેર કરીને તોલમાપ ખાતાના અધિકારીઓનો તોડકાંડ ખુલો પાડ્યો હતો. જેના પગલે કલેક્ટર તેમજ રાજ્ય સરકાર તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આજે ભોગ બનનાર વેપારી હરિસિંહ સૂચરિયા દ્વારા આ સમગ્ર ઘટના અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, મને એન્ટી કરબ્શન બ્યુરો દ્વારા પણ બોલાવવામાં આવ્યો છે. અને હું તેમને તમામ સાચી હકીકત જણાવી ફરિયાદ પણ કરીશ.
રાજકોટના કુવાડવા રોડ પર કૂલર ઍન્ડ હોમ એપ્લાયન્સીસનો બિઝનેસ ધરાવતા હરિસિંહ સુચારીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર પાંચ દિવસથી મહારાષ્ટ્ર એક કાર્યક્રમમાં હતો. બાદમાં મંગળવારે બપોરે 1:30 વાગ્યે હિરાસર પાસેની મારી સંગીતા એપ્લાયન્સીસ અને સેન્ડી ઇલેક્ટ્રોનિકની ફેક્ટરીએ ગયો હતો. બાદમાં બપોરે 3:30 વાગ્યે તોલમાપ ખાતાના અધિકારીઓ આવ્યા હતા. જેઓએ સૌથી પહેલા અલગ અલગ વસ્તુઓનું ચેકિંગ કર્યું હતું અને હોમ એપ્લાયન્સના બોક્સ ઉપર યોગ્ય લખાણ લખવામાં આવ્યું નથી તેમ કહી પહેલા રૂૂપિયા 87,500 માંગવામાં આવ્યા હતા. બાદમાં રૂૂ. 50,000માં આવ્યા હતા.
થોડીવારમાં અધિકારી 25000 પરત આપી ગયા હતા આ સમયે મે સાંસદ અને મારા મિત્ર રામ મોકરીયાને ફોન કર્યા બાદ છેલ્લે મેં રૂૂ. 37,500 આપ્યા હતા. જે બાદ પહોંચ માત્ર રૂૂ. 12,000ની આપવામાં આવી હતી. બંસીલાલ ચૌહાણ સહિતનાં અધિકારીઓ આવ્યા હતા. બાદમાં રામભાઈનો ફોન આવતા મને પૂછ્યું હતું કે કેટલા રૂૂપિયા લઈ ગયા ત્યારે મેં કહ્યું હતું કે, રૂૂપિયા 12000ના દંડની પહોંચ આપી છે અને 37,500 લઈ ગયા છે. જેથી તેમણે તે અધિકારીનો નંબર માગ્યો હતો. થોડીવારમાં જ મારા એકાઉન્ટન્ટ ઉપર ફોન આવ્યો હતો કે આપના વધારાના રૂૂપિયા 25,000 લઈ જાઓ. જેથી એરપોર્ટ રોડ ઉપર આવેલી અમારી સંગીતા એપ્લાયન્સ ખાતે રૂૂપિયા 25000 પરત આપી ગયા હતા. આ બાબતે મને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બોલાવવામાં આવ્યો છે, જ્યારે હું તેમને તમામ સાચી હકીકત કહીશ અને ફરિયાદ પણ કરીશ.
ગાંધીનગરથી તોલમાપ ખાતાની તપાસ ટીમના રાજકોટમાં ધામા, ખાતાકીય તપાસ સહિતના પગલા લઈ સરકારમાં રિપોર્ટ કરાશે
આજે ગાંધીનગરથી તપાસ માટેની વિશેષ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમ દ્વારા તોલમાપ વિભાગના કાર્યાલય ખાતે જરૂૂરી દસ્તાવેજોની ચકાસણી અને સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ સમિતિ દ્વારા લાંચના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરાશે.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ ગંભીર છે. જો આક્ષેપો સાબિત થશે તો જે કોઈ નિયંત્રણ અધિકારી કે વિભાગ આ મુદ્દે જવાબદાર હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.