હવે મંત્રી રીવાબા જાડેજા સામે ‘આપ’નો મોરચો
ગુજરાતમા દારૂ અને ડ્રગ્સના કાળા કારોબાર અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે જુબાની જંગ ચાલી રહયો છે ત્યા મહિલાઓ સામેના ગુનાઓના મામલે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રીવાબા જાડેજા અને ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે સોશિયલ મીડિયામા ટકકર થઇ છે.
ગુજરાતના કેબિનેટ મંત્રી અને ભાજપનાં નેત્રી રીવાબા જાડેજાએ તાજેતરમાં વિધાનસભામાં જાહેર કર્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓનો દર માત્ર 1.48 ટકા છે, જે દેશની સરેરાશ 4 ટકાની સામે ઘણો ઓછો છે. આ દાવા પર આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે.
ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર એક મહિલાની સાચી ઘટના રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે એક મહિલાને ઈન્સ્ટાગ્રામ પર એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સતત ઓનલાઈન હેરાન કરવામાં આવી રહ્યા હતા. મહિલાએ તેની સામે પુરાવા એકઠા કર્યા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. પરંતુ ફરિયાદ લીધા બાદ પણ FIR નોંધવામાં આવી નહીં અને ઉલ્ટાના તે મહિલાને જ ધમકીઓ આવવા લાગી.
ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓના આંકડા નીચા બતાવવા માટે જાણીજોઈને FIR નોંધાતી નથી. જો મહિલાઓની ફરિયાદ જ નોંધાશે નહીં તો ગુનાઓનો દર કેવી રીતે ઓછો દેખાશે? એવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. ગઈછઇના 2023ના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓનો દર લગભગ 25.2 પ્રતિ લાખ છે, જે દેશની સરેરાશ 66.2ની સરખામણીમાં ઓછો તો છે, પરંતુ રીવાબા જાડેજાએ દાવો કરેલા 1.48 ટકા કરતાં ઘણો વધારે છે. વધુમાં, ઘણા અભ્યાસો અને રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મહિલા સુરક્ષાના આંકડા સુંદર દેખાડવા માટે ગુનાઓની નોંધણી ઓછી કરવામાં આવે છે.આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ પણ તીવ્ર છે. કેટલાકે AAPના આક્ષેપોને સમર્થન આપ્યું છે અને ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચારની વાતો કરી છે, તો ભાજપના સમર્થકોએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે કે તેઓ પીડિત મહિલા અને આરોપી ઇન્સ્પેક્ટરનું નામ જાહેર કરે. આ મુદ્દો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મહિલા સુરક્ષાનો મોટો પ્રશ્ન બની રહેશે તેવું નિષ્ણાતો માને છે.