DEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસ
નિર્મલા કોન્વેન્ટ, ઉદ્ગમ અને તપોવન સ્કૂલ દ્વારા પણ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રખાતા કાર્યવાહી
રાજકોટમાં ચોકકસ દુકાનોએથી પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગની ખરીદી કરવા દબાણ કરતી 25 ખાનગી શાળાઓને નોટિસ આપીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંતોષ માની લેવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે અને આ વચ્ચે વધુ 3 શાળાઓને નોટિસ આપવામાં આવી છે.
વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ દ્વારા રાજકોટની નિર્મલા કોન્વેન્ટ, ઉદગમ અને તપોવન સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે. આ ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ દુકાન હોય છે જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની ખરીદી માટે ફરજ પાડવામાં આવે છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને રાજ્ય સરકારના નિયમો લાગુ પડતા ન હોય તેમ વિદ્યાર્થીઓને કાર્ડ આપવામાં આવે છે અને તે જગ્યાએથી સ્ટેશનરી અને યુનિફોર્મની ખરીદી કરવાની રહે છે. જેથી વિદ્યાર્થીઓને તે જ દુકાનોએથી ચીજવસ્તુઓ ખરીદવી પડે છે. જેનો ખર્ચ રૂૂ. 8000 જેટલો થાય છે. આ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે.
તા. 1 જૂનના તપોવન સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનોએથી પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી સહિતની ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. બાદમાં 3 જૂને ઉઊઘ દ્વારા આ સ્કૂલને નોટિસ આપવામા આવી હતી. આ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસની પણ કઈ પડી ન હોય તેમ સ્કૂલની બાજુના જ કોમ્પ્લેક્સમાં શિવમ બુક સ્ટોર વાળાને બોલાવી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે.
મવડી વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિપત્ર કરવામાં આવેલો છે કે બુક, રેગ્યુલર યુનિફોર્મ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે ચોક્કસ દુકાનોના એડ્રેસ આપવામાં આવેલા છે. જેથી કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે. જેથી અગાઉ જે 25 સ્કૂલને નોટિસ આપવામાં આવેલી છે અને અન્ય ત્રણ સ્કૂલ કે જેમના અમે પુરાવા આપેલા છે તેને નોટિસ આપી પાંચ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
શાળાઓના ખુલાસા આવ્યા: DEO
રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની ખાનગી 25 શાળાઓને ચોક્કસ દુકાનોએથી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી નોટિસ આપવામાં આવેલી છે. નોટિસ બાદ મોટાભાગની સ્કૂલ દ્વારા ખુલાસા આવી ગયા છે અને હવે આ સ્કૂલોને હિયરિંગ માટે બોલાવવામાં આવશે. આ દરમિયાન વધુ ત્રણ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. જેમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, ઉદગમ સ્કૂલનો સમાવેશ થાય છે આ ઉપરાંત ધોળકિયા સ્કૂલ રજાના દિવસે ચાલુ હોવાથી તેને પણ નોટિસ આપવામાં આવી હતી. આ દરમિયાન તપોવન સ્કૂલ દ્વારા પોતાના કેમ્પસની બાજુના કોમ્પલેક્ષમાં પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ સ્કૂલની અગાઉ નોટિસ તો આપેલી જ છે, પરંતુ સ્કૂલના પ્રતિનિધિ જ્યારે હિયરિંગમાં આવશે ત્યારે તેમનો ખુલાસો પણ પૂછવામાં આવશે.