નાગેશ્ર્વર મંદિરના આધાર-પુરાવા રજૂ કરવા ટ્રસ્ટીઓને નોટિસ, ભારે ચકચાર
દ્વારકા નજીકના નાગેશ્વર ખાતે આવેલ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને આશરે દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા નોટીસ ફટકારી 2પ-11-2025 ના હાજર રહેવા જણાવ્યા બાદ તાજેતરમાં ફરી એકવાર એસડીએમ દ્વારા મંદિરના ટ્રસ્ટીને નોટીસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા જણાવાયું છે.
એસડીએમ દ્વારા મુદ્દાવાર માંગવામાં આવેલ વિગતોમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય યાત્રીકોની ભારે ભીડભાડ રહેતી હોય મંદિરમાં અંદર ચલાવવામાં આવતી કોમર્શીયલ દુકાનો અંગે પરમીશન લીધી હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. બીજા મુદ્દામાં નાગેશ્વર ગામના સ.નં.123 વાળી જમીન હાલ રેવન્યુ રેકર્ડ અનુસાર સરકારી ખરાબો હોય સદર જમીન પર નાગેશ્વર મંદિર આવેલ હોય સદર જમીનની માલીકી ટ્રસ્ટની હોય તો તેના માલિકીના આધાર રજૂ કરવા તેમજ મંદિર બનાવવાની પરમીશનના આધારો સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ તેમજ મંદિરની બાજુમાં વસવાટ માટે બનાવેલ ભવનની માલીકી તથા પરમીશનના આધારો રજૂ કરવા જણાવાયું છે.
ત્રીજા મુદ્દામાં મંદિરની બાજુમાં આવેલ નવા સર્વે નં.124 વાળી જમીન પર આવેલ ટોયલેટ ખાસ કરીને મહિલા ટોયલેટ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનું અને તેનું ડીસ્ચાર્જ ખુલ્લી જગ્યામાં કરાતું હોવાનું જણાવી પ્રદુષણ અને રોગચાળાની શકયતા જોતાં ટોયલેટ કોના દ્વારા બનાવવામાં આવેલ હોવાની અને ટોયલેટના ઉપયોગ બદલ કેટલો ચાર્જ લેવામાં આવે છે તેની આધારા પૂરાવા અને ટ્રસ્ટ દ્વારા કોઈ ટોયલેટ બનાવવામાં આવેલ હોય તો તેની વિગતો માંગવામાં આવી છે. મુદ્દા નં.4 માં નાગેશ્વર ગામના સર્વે નં. 124વાળી તળાવની જમીન પર શનિદેવ મંદિર કોના દ્વારા અને કયારે બનાવેલ છે અને મંદિર બનાવવાના પરમિશનના આધાર પૂરાવા સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ સાથે રજૂ કરવા જણાવાયું છે. મુદ્દા નં.5 માં મંદિર સામે ટ્રાફીકમાં વાહનો પાર્ક થાય છે ત્યારે મંદિરની આગળની બાજુ નવા સર્વે નં. 116 વાળી જમીન પર કોમર્શીયલ દુકાનોને કારણે ટ્રાફીક તથા વાહનોના પાર્કીંગની સમસ્યાઓ ઊભી થતી હોય સદર સરકારી જમીન પર ઊભી કરાયેલ દુકાનો ટ્રસ્ટની માલીકીના આવેલ હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે.
મુદ્દા નં. 6 માં મંદિરની બાજુમાં આવેલ નવા સ.નં.444 વાળી જમીન પર રેસ્ટોરન્ટ બનાવેલ છે તેના માલીકીના આધાર પૂશ્રાવા તેમજ રેસ્ટોરન્ટ લેઆઉટ પરવાનગી, બાંધકામ પરમીશન, રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. પ્રમાણપત્ર તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી વિગેરે આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. ઉપરોકત તમામ છ મુદ્દાઓની તથ્યતા તપાસવા અંગે આગામી તા.03-12-2025 ના સવારે 11:00 કલાકે મુદ્દત રાખવામાં આવી છે.
