ઉપલેટામાં 35 દરગાહ, મંદિર તોડી પાડવા નોટિસ
રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ ઉપલેટા શહેરમાં જાહેર રોડ ઉપર 35 જેટલા અલગ અલગ સ્થળોએ ધાર્મિક દબાણ કરી રોડ રસ્તામાં ઉભા કરવામાં આવેલ ધાર્મિક સ્થળોને ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે તેમજ દસ દિવસમાં જે તે ધાર્મિક જગ્યા કે સ્થળોના આધાર પુરાવા રજુ કરવા માટે નોટિસમાં આદેશ આપવામાં આવ્યો છે.
ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા તા. 11 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી રજા ઉપર હોય જેને લઈને ધોરાજી નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર મોઢવાડિયા હાલ ચાર્જમાં હોય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હુકમ બાદ ઈન્ચાર્જ ચીફ ઓફિસર મોઢવાડિયા દ્વારા જાહેર રોડ રસ્તાઓમાં તેમજ સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર ધાર્મિક સ્થળો જેવા કે જીકરીયા ચોકમાં આવેલ ધંધુશાહ પીરની દરગાહ, પંચ હાટડી વિસ્તારમાં આવેલ ખીજડીયા શાહ પીરની દરગાહ, જીરાશા પીરની દરગાહ, ગેબનશાહ પીરની દરગાહ તેમજ સાંઈબાબા મંદિર, હનુમાન મંદિર, વિશ્વકર્મા મંદિર, મહાકાળી શક્તિપીઠ સહિતના નાના મોટા 35 જેટલા ધાર્મિક સ્થળો ઉપર તેમજ તે ધાર્મિક સ્થળોનું સંચાલન કરતા લોકોને જે તે ધાર્મિક સ્થળો પર જાહેર નોટિસ ચિપકાવી આ અંગે દસ દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા અથવા દબાણ જાતે દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જો આ પ્રકારના ગેરકાયદેસર કરાયેલા દબાણો દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર નગર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી.