જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં સારવારમાં આવેલા દદીને શ્વાને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા જેને લઈ દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના તંત્રએ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ પાઠવી છે.
જામનગરમાં રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃધ્ધને મોઢાના ભાગે કેન્સરની બીમારી હોય અને તેઓ પરમદીને સવારમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓ કેસ બારીની સામેના ભાગેથી ચાલીને જતા હતા ત્યારે ધુરાયેલા કુતરાએ વૃધ્ધને હાથમાં બચકું ભરી લેતા લોહીલુહાણ થયા હતા.
જે દરમ્યાન ત્યાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓ તેમજ સગા-સંબંધીઓ દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર કરાવાઈ હતી. સિક્યુરિટી ગાર્ડની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરાયો હતો, અને હોસ્પિટલના તંત્રને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને મહિને લાખો રૂૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે, તેમ છતાં હોસ્પિટલમાં શ્વાન, પશુઓ અંદર ઘુસી જતા હોવાના બનાવો બને છે. જેથી સિક્યુરિટી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
દરમિયાન જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ પાઠવી દેવામાં આવી છે, અને તેનો ખુલાસો મંગાયો છે. જેનો બે દિવસમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ એવો પણ ખુલાસો કરાયો હતો, કે હાલમાં જી.જી. હોસ્પિટલમાં નવું બાંધ કામ ચાલી રહ્યું છે, જેના કારણે તમામ દરવાજાઓ ખુલ્લા હોવાથી અંદર શ્વાન આંટાફેરા કરી જતા હોય છે. જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ બાબતે સતર્કતા દાખવવી જરૂૂરી બની છે.