કાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો
સારા પેજની 200 પાનાની બુકના રૂા.40, માલનો ભરાવો થતાં ઉત્પાદકો દ્વારા ઓફર શરૂ કરતાં વાલીઓને ફાયદો
ઉનાળાનું વેકેશન પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને શાળાઓમાં પ્રવેશ પ્રક્રીયાઓ પણ પુર્ણ થવા પર છે અને તા.9 જુનથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થશે ત્યારે વાલીઓ દ્વારા સ્ટેશનરી સહીતની ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે મોંઘવારીમાં રાહતના સમાચાર મળી રહ્યા છે. જેમાં નોટબુકના ભાવમાં 20થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે નોટબુકમાં ઉપયોગમાં લેવાતા કાગળ પર ડયુટી ઘટાડતા તેનો ફાયદો વાલીઓને મળશે અને ચોપડા સસ્તા ભાવે મળી શકે છે.
બજારમાં સારા પેજની 200 પાનાંની રૂૂા. 60થી 70માં મળતી બુક રૂૂા. 40 સુધી મળી શકે છે. બીજી તરફ થાઇલેન્ડ, કોરિયા વગેરે સ્થળેથી આવતા કાગળના ભાવોમાં ડયૂટી ઘટવાનાં કારણે ઉત્પાદકો પાસે પણ માલનો ભરાવો થઇ જવાથી તેઓ પણ વેપારીઓને જુદી-જુદી સ્કીમની ઓફરો સાથે માલ આપી રહ્યા છે.
સ્ટેશનરી બજારમાં નોટબુકની સારી ઘરાકી છે, પણ માંગ કરતાં સપ્લાય વધુ છે, વળી કાગળ મિલોએ ભાવમાં ડિસેમ્બર પછી કોઈ ફેરફાર કર્યો નથી અને ઉત્પાદન વધ્યા કરે છે, હાલમાં 2026 સુધી કોઈ ભાવ વધવાની શકયતા દેખાતી નથી. મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્રના ઘણા મિલરો ગુજરાતમાં સ્કીમ બતાવીને 2/3 મહિનાની ઉધારીમાં માલ વેચી રહ્યા છે, આયાતી કાગળ બજાર પણ ઘણી નીચી હોવાથી જૂન મહિનાથી અહીં મોટા કડાકાની ભરપૂર શકયતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ટયુશન ફી, ખાનગી શાળાઓની ફી, પાઠય પુસ્તકો, નોટબુકોના તાતિંગ ખર્ચનાં દબાણ હેઠળ કાળઝાળ મોંઘવારીમાં પીસાતા વાલીઓ માટે થોડેઘણે અંશે રાહતરૂૂપ સમાચાર મળી રહ્યા છે, જેમાં નોટબુકોના ભાવોમાં 20થી 25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્ટેશનરી સાથે સંકળાયેલા વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારે નોટબુકોમાં વપરાતા તેમજ અન્ય પ્રકારના કાગળ પર 20 થી 25 ટકા ડયૂટી ઘટાડતાં વિવિધ સંસ્થાઓ દ્વારા રાહતભાવે વેચાતી નોટબુકો કરતાંયે બજારમાં ઓછા ભાવે સારા પેજની નોટબુકો ઉપલબ્ધ હોવાથી વાલીઓને રાહત પહોંચાડશે.ભારત સ્ટેશનરીના વેપારી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, કાગળની આયાતનાં કારણે નોટબુકોની ઉત્પાદક કંપનીઓ પાસે માલનો ભરાવો થઇ જવાથી તેઓ વેપારીઓને સ્કીમની ઓફરો આપી રહી છે, જેનો લાભ અમે ગ્રાહકોને આપી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, અમે ડોમ્સ કંપનીની ફૂલસ્કેપ બુક અને એ - 4ની લોંગ બુકમાં 12 નોટબુકની ખરીદી પર 20 (એમઆરપી પર 40) ટકા ડિસ્કાઉંટ આપી રહ્યા છીએ, તો અન્ય કંપનીએ પણ નોટબુકોમાં રૂૂા.પાંચથી દસનો ઘટાડો કર્યો છે. જ્યારે સિદ્ધિ બુકના ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, આ વખતે સ્ટાન્ડર્ડ કંપનીની નોટબુકોમાં જબ્બર ઘટાડો થયો છે, ગયા વર્ષે ફૂલસ્કેપ જમ્બો બુક રૂૂા. 70માં મળતી હતી તે રૂૂા. 50થી 55માં ઉપલબ્ધ છે.