રંગીલું જ નહીં માલદાર રાજકોટ, નવરાત્રિમાં 25 મર્સિડિઝ, 14 BMW, 8 ઓડીનું વેચાણ
મર્સિડિઝના 1.90 કરોડની કિંમતના ત્રણ સુપર મોડેલ પણ વેંચાયા
રાજકોટ હવે રંગીલુ જ નહીં માલદાર પણ બની ગયું હોય તેમ ગત નવરાત્રિના તહેવારોમાં વાહનોના વિક્રમજનક વેંચાણ સાથે મર્સિડિઝ અને ઓડી જેવી 33 લકઝરી કારનું પણ પ્રથમ વખત વેંચાણ થયું છે.
રાજકોટ શહેરમાં નવરાત્રિ અને વિજયા દશમીના તહેવારમાં ગત વર્ષે થયેલી વાહનોની ખરીદીની સાપેક્ષમાં આ વર્ષે 50% નો વધારો થયો છે. રાજકોટ RTOમાં વર્ષ 2024માં નવરાત્રિના તહેવારોમાં 4200 વાહન સામે આ વર્ષે નવા 9500 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં 25 મર્સિડીઝ, 8 ઓડી અને 14 બીએમડબલ્યુ કારનું વેચાણ થયું છે. જેમાં સાખીર ગોલ્ડ કલર સાથેની ઓડી Q8 કાર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ ખરીદી થઈ છે. જેની કિંમત રૂૂ.1.33 કરોડ છે. જ્યારે સૌથી મોંઘી રૂૂ.1.90 કરોડની કિંમતની 3 મર્સિડિઝની ખરીદી થઈ છે. જે મર્સિડિઝનું સુપર ક્લાસ મોડલ છે.
રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, નવરાત્રિ-દશેરા દરમિયાન 9500થી વધુ વાહનોની નોંધણી થઈ છે. જેમાં 1400 જેટલી ફોર વ્હીલર અને 6000 ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 300 જેટલી ઓટો રિક્ષા વાહનોની નોંધણી થઈ છે. જ્યારે 324 ટ્રકનું રજિસ્ટ્રેશન થયુ છે.
રાજકોટમાં મર્સિડીઝ કારના શો રૂૂમના સિનિયર સેલ્સ મેનેજરે જણાવ્યું હતુ કે, નવરાત્રિમાં મર્સિડીઝના વેચાણમાં વધારો થયો છે. ગત વર્ષે વેચાયેલી 19 મર્સિડિઝ આ વખતે વધીને આંકડો 25એ પહોંચ્યો છે. જેમાંથી 6 કાર તો વિજયા દશમીના દિવસે જ વેચાઈ છે. આ મર્સિડિઝની કિંમત રૂૂ.54 લાખથી લઈને રૂૂ.1.90 કરોડની છે. જેમાં મર્સિડિઝ જ એટલે કે સુપર ક્લાસ મોડલની કિંમત રૂૂ.1.90 કરોડ છે. સૌથી મોંઘી રૂૂ.1.90 કરોડની મર્સિડિઝ કાર 3 વેચાઈ છે.
જ્યારે ઓડી કારના શો રૂૂમના જનરલ મેનેજરે જણાવ્યુ હતુ કે, નવરાત્રિ અને વિજયા દશમીના તહેવાર દરમિયાન 8 ઓડી કારની ખરીદી થઈ છે. જેમાં રૂૂ.52 લાખથી લઈને રૂૂ.78 લાખની કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 કારની કિંમત રૂૂ.1 કરોડથી વધુ છે. જેમાં એક ઓડી Q8 કારનો કલર સાખીર ગોલ્ડ છે. જે કલર પસંદ કરનાર ખરીદદાર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ છે. જેની કિંમત ગત વર્ષે રૂૂ. 1.43 કરોડ હતી. જેમાં આ વર્ષે જીએસટી ઘટવાથી તેની કિંમત રૂૂ.1.33 કરોડ થઈ છે એટલે કે રૂૂપિયા 10 લાખનો ઘટાડો થયો છે.