મોરબીનો એકપણ રસ્તો પગપાળા ચાલી શકાય તેવો નથી
સિરામિક ઉદ્યોગમાં અગ્રેસર શહેરનો વિકાસ ન થતા પછાત રહી ગયું, બાવન કોર્પોરેટરો માથે પડ્યાનો લોકોનો વસવસો
મોરબીમાં ભાજપના કાર્યાલય કમલમના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શહેરના સીરામીક ઉદ્યોગકારો પર મન મુકીને વરસી પડયા હતા. આથી સ્થાનિક ઉદ્યોગકારોમાં પણ હરખની હેલી જોવા મળી. એક તરફ ગૃહ મંત્રી સીરામીક ઉદ્યોગની વાહ વાહી કરી રહ્યા હતા, તો બીજી તરફ આ જ ઉદ્યોગકારોના શહેરની પ્રાથમિક સુવિધાની સ્થિતિએ કેવા હાલ હવાલ છે તેની વાસ્તવિક્તાથી અજાણ જ હતા.મોરબીના વિશ્વભરમાં સીરામીક ઉદ્યોગનું નામ ગુંજે છે. તો તેનાથી વિપરિત પ્રાથમિક સુવિધામાં આ શહેર એટલું જ પછાત રહી ગયું છે. ગૃહ મંત્રીના પક્ષ ભાજપના જ હવાલે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોવા છતાં પદાધિકારીઓ સારા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા અપાવવામાં પણ સરેઆમ નિષ્ફળ ગયા છે. શહેરનો એક પણ રસ્તો વાહનો તો ઠીક પગપાળા પણ નીકળી શકાય તેવી હાલતનો રહ્યો નથી.
દેશના ગૃહ મંત્રી અમિત શાહ મોરબી આવી રહ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર રાતોરાત જાગ્યું હતું. શહેરીજનો સારા રસ્તાની માગણી કરતા કરતા થાકી ગયા, તંત્રને ફુરસદ ન મળી, પણ જેવા ગૃહ મંત્રી આવવાના છે તેવી જાણ થઈ કે તુરત જ રાતોરાત રસ્તા નવા બની ગયા. આથી સભામંચ સુધી પહોંચવામાં ગૃહ મંત્રીને શહેરનો ફુલગુલાબી ચહેરો જ જોવા મળ્યો.શહેરમાં મુખ્ય કહી શકાય તેવા લાતી પ્લોટ સહિતના રસ્તાની હાલત દયનીય છે. જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા છે. નગરપાલિકામા થી મહાનગરપાલિકા બની, પણ સુવિધાની દ્રષ્ટિએ ગ્રામ પંચાયત હોય તેવું લાગે છે. મનપામાં તમામ 13 વોર્ડના બાવન સદસ્ય ભાજપના છે. છતાં સારા રસ્તા અપાવવામાં નિષ્ફળ ગયા છે. ધારાસભ્ય રાજ્યના મંત્રીપદે બિરાજમાન છે. સાંસદ પણ ભાજપના છે. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સર્વત્ર ભાજપની બોલબાલા છે.છતાં વિકાસના નામે મીડું છે.
નેતાઓને વિકાસની વાતો જ રસ હોય તેમ લાગે છે. શહેરીજનોને પેરીસ બનાવવાના વચનો આપતા નેતાઓ એક સારો રસ્તો પણ બનાવી શક્યા નથી. સતત વિકાસના ગાણા જ ગાવામાં માહેર નેતાઓ જમીની હકીકત ભૂલી ગયા છે. જિલ્લા મથકમાં હોવી જોઈએ તેમાંથી એક પણ સુવિધા નથી. જે ઉદ્યોગના ગૃહ મંત્રીએ ભરપેટ વખાણ કર્યા તેના ઉદ્યોગકારોને બિસમાર રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નો કનડે છે. વિશ્વભરમાં નામના હોવા છતા મોરબીને દેશના એક પણ શહેર સાથે જોડતી લાંબા અંતરની ટ્રેન મળી નથી. એરપોર્ટ બનાવવાની હવામાં વાતો થઈ રહી છે. એ વન કહી શકાય તેવી સારી હોસ્પિટલ પણ નથી. ખેડૂતોને પિયત માટે કોઈ વિશેષ સુવિધા નથી. આ વિસ્તારના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે.ઉલ્લેખનીય છે કે 1979ની જળ હોનારત અને 2001ના ભૂકંપની થપાટ મોરબીને સારી એવી લાગી છે. પડીને પાદર થયેલું શહેર સાહસિક ઉદ્યોગપતિઓના કારણે ફરી બેઠું થયું છે.
ઉદ્યોગો ફરી ધમધમે છે. તેમાં સરકારની કોઈ વિશેષ મદદ રહી નથી. સ્થાનિક નેતાગીરી, સાંસદો, ધારાસભ્યો સહિત સત્તાધારી પક્ષના નેતાઓની મદદ વગર ઉદ્યોગપતિઓએ ઉદ્યોગનો સ્વબળે એટલો વિકાસ કર્યો છે કે આજે સમગ્ર વિશ્વમાં સીરામીક ઉદ્યોગમાં મોરબીનો ડંકો વાગે છે. મોરબી જિલ્લામાં સીરામીક ઉદ્યોગ 40 કિ.મી.માં પથરાયેલો છે. સ્થાનિક અને દેશભરના આશરે ત્રણ લાખ મજૂરોને રોજગારી પુરી પાડે છે. છતાં ઉદ્યોગકારોના પ્રશ્નો કે ઉદ્યોગના વિકાસ માટે સરકાર ક્યારેય આગળ આવી નથી. હાલ વૈશ્વિક મંદીની અસર સીરામીક ઉદ્યોગ પર પણ પડી છે. 200થી વધુ કારખાનાને તાળા લાગી ગયા છે. પેપર મિલ ઉદ્યોગ તો બંધ જ પડી ગયો છે.ઘડિયાળના કારખાના બંધ છે.
સીરામીક ઉદ્યોગને પીવાનું પાણી પુરું પાડવાની તસદી પણ સ્થાનિક તંત્રએ લીધી નથી. મજૂરો માટે ઉદ્યોગકારો બહારથી વેચાતું પાણી મેળવે છે. સીરામીક ઉદ્યોગના સાંકળતા રસ્તા અતિ બિસમાર છે. દેશ વિદેશ જંગી માત્રામાં માલનું પરિવહન થતું હોવા છતાં ટ્રાન્સપોર્ટનગર નથી. પાર્કિંગનો પ્રશ્ન પણ વિકટ છે. ગેસના ભાવ આસમાને છે.નિકાસને પણ અસર થઈ છે. સીરામીક ટાઈલ્સ માટે ઘણા દેશમાં એન્ટી ડમ્પિંગ ડયુટી લદાઈ હોવાથી નિકાસ ઘટી છે. મંદીના કારણે એકસપોર્ટનો ગ્રોથ માડ 18 ટકા છે, જે 28 ટકાથી વધુ હોવો જોઈએ. આવા અનેક પ્રશ્નો સીરામીક ઉદ્યોગકારોને મુંઝવે છે. સીરામીક એસો.ના ઉદ્યોગકારોએ ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી રજૂઆતો કરી છે, રજૂઆતો કરી રહ્યા છે. છતાં કોઈ તંત્ર દાદ દેતું નથી. ચૂંટાયેલા નેતાઓ મદદ કરતા નથી. અધિકારીઓને પડી નથી, પદાધિકારીઓને રસ નથી તેવી હાલત છે. તેમ છતાં ગૃહ મંત્રી જાહેરમાં આ ઉદ્યોગની વાહ વાહી કરી ગયા છે. ત્યારે સીરામીક ઉદ્યોગકારોને હસવું કે રડવું કે આશ્વાસન મેળવવું? તે જ સમજાતું નથી.