નોરતા ફળ્યા: મિલકતોની ખરીદીમાં 1 માસમાં 15.71 ટકાનો વધારો
રાજકોટ શહેર- જિલ્લાની 18 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં 1768 દસ્તાવેજો વધુ નોંધાયા
રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટમાં નવરાત્રીના શુભ દિવસો ફળ્યા હોય તેમ રાજકોટ શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસ કરતા સપ્ટેમ્બર માસમાં મિલકતોના દસ્તાવેજોની નોનધણીમાં 15.71 ટકાનો ઉછાળો આવ્યો છે. જેના કારણે રાજય સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં પણ ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રૂા.15 કરોડ જેવી વધારાની આવક થઇ છે.
ઓગસ્ટ માસમાં મિલકતોના ખરીદ વેચાણમાં મોરબી રોડ અવ્વલ રહ્યો હતો તો સપ્ટેમ્બર માસમાં પણ મોરબી રોડ ઉપર સૌથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 1816 દસ્તાવેજો નોંધાયા છે. તો બીજા નંબરે મવડીમાં 1254 અને ગોંડલમાં ત્રીજા નંબરે 1237 દસ્તાવેજો નોંધાયા છે.
રાજકોટ શહેર- જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓગસ્ટ માસમાં 12252 મિલકતોના દસ્તાવેજની નોંધણી થઇ હતી તેની સામે સપ્ટેમ્બર માસમાં 1768 દસ્તાવેજ વધી કુલ 13020 દસ્તાવેજો નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ ગમે ત્યારે થવાની શક્યતાને પગલે રાજકોટ શહેરમાં મિલકત ખરીદ-વેચાણની પ્રવૃત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. જૂની જંત્રી મુજબ દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લાની કુલ 18 સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં 13,020 દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ ધસારાને કારણે રાજ્ય સરકારની તિજોરીમાં જંગી આવક થઈ છે. મળતી માહિતી મુજબ, સરકારી તિજોરીમાં રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી પેટે કુલ ₹79,13,22,023 (79 કરોડથી વધુ)ની આવક થઈ છે.
આ આવકમાં રજિસ્ટ્રેશન ફી પેટે ₹6,77,99,097 અને સ્ટેમ્પ ડ્યુટી પેટે ₹7,91,32,2023 નો સમાવેશ થાય છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે નવી જંત્રી લાગુ થવાની ભીતિએ લોકોએ જૂની જંત્રીનો લાભ લેવા માટે ઉતાવળ કરી છે. સબ-રજિસ્ટ્રાર કચેરીઓના આંકડા મુજબ, સૌથી વધુ દસ્તાવેજો રાજકોટ-2 મોરબી રોડ પરની કચેરીમાં 1816 નોંધાયા છે. જ્યારે અન્ય કચેરીઓમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન થયું છે. રાજકોટ-6 માવડી1254,ગોંડલ 1237,રાજકોટ-4 રૈયા 1044,રાજકોટ-1 900,રાજકોટ-3 રાતનપર,974 રાજકોટ-7 કોઠારિયા 872,રાજકોટ-5 માવા 707, રાજકોટ-8 રૂૂરલ 733,જસદણ 423,ધોરાજી283,ઉપલેટા 398,જેતપુર 649,પડધરી 241, જમકંડોરણા 89 દસ્તાવેજો નોંધાયા છે.