મનોવિજ્ઞાન ભવને રચેલી નોમોફોબિયા ટેસ્ટ સર્વેની ડિઝાઈનને મળ્યા કોપીરાઈટ્સ
સ્માર્ટ ફોનમાં ધૂસેલા રહેતા અને ડેટા ગુમાવવાના ડર સાથે જીવતા યંગસ્ટરના નોમોફોબિયાનું સ્તર આસાનીથી માપી શકાશે : ત્રણ વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલી સંશોધન ડિઝાઇન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ઉન્નતિ દેસાઈ, હિતેશ્રી અઘેરા અને નેહા બેડીયાએ આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર નોમોફોબિયા (નો-મોબાઇલ-ફોન ફોબિયા)ના સચોટ માપન માટે એક નવી અને પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટી વિકસાવી છે. જેમાં 14થી 34 વર્ષના બાળકો અને યુવાનોને અલગ અલગ 40 જેટલા સવાલો પૂછવામાં આવે છે અને તેના જવાબો તે વ્યક્તિ કઈ રીતે આપે છે તેના આધારે તેને નોમોફોબિયા છે કે કેમ તે નક્કી થાય છે. આ કસોટીની રચના અધ્યાપક ડો. જોગસણ અને ડો.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. આ કસોટીને ભારત સરકાર દ્વારા કોપીરાઇટસ પણ આપવામાં આવ્યા છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપિકા ડો. ધારા દોશીએ જણાવ્યુ હતું કે, નોમોફોબિયા એ મોબાઇલ ફોનથી દૂર રહેવાના, બેટરી ખતમ થવાના અથવા નેટવર્ક કનેક્ટિવિટી ગુમાવવાના તર્કહીન ડરને દર્શાવે છે. આ કસોટી નોમોફોબિયાની તીવ્રતાને ચોક્કસપણે માપશે. જે મનોવૈજ્ઞાનિકો અને માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકોને અસરકારક નિદાન અને હસ્તક્ષેપ માટે મદદરૂપ થશે.જે કસોટીના મુખ્ય લક્ષણો પર નજર કરીએ તો તેમાં વૈજ્ઞાનિક પ્રમાણભૂતતા આવે છે. કસોટીની રચના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આંકડાકીય વિશ્ર્લેષણના આધારે કરવામાં આવી છે, જે તેની વિશ્વસનીયતા અને યથાર્થતા શોધ્યા પછી તેને ઉપયોગમાં લેવામાં આવે છે.
આ કસોટીમાં એવા વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે જે નોમોફોબિયાની ચિંતાને રજૂ કરે છે. જેમ કે સંપર્ક ગુમાવવાનો ડર, માહિતીની ઍક્સેસ ગુમાવવાનો ડર અને સગવડ ગુમાવવાનો ડર.આ કસોટી ખાસ કરીને યુવાનો અને સ્માર્ટફોન પર વધુ નિર્ભર રહેતા વયસ્કોમાં નોમોફોબિયાનું સ્તર માપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ડો. જોગસણે જણાવ્યું હતું કે, નોમોફોબિયા હવે એક સામાન્ય ચિંતાનો વિષય બની ગયો છે. જે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને દૈનિક કાર્યક્ષમતાને અસર કરી રહ્યો છે.
અમારી આ નવી કસોટી માત્ર ડરની તીવ્રતાને માપવામાં જ નહીં, પરંતુ વ્યક્તિગત સ્તરે આ ફોબિયાના મૂળભૂત કારણોને સમજવામાં પણ મદદ કરશે. આનાથી અમે સમયસર અસરકારક ઉપચાર પદ્ધતિઓ વિકસાવી શકીશું. આ કસોટીના અમને કોપીરાઇટ્સ મળ્યા છે જેથી સંશોધકો હવે આ કસોટીનો ઉપયોગ કરીને નોમોફોબિયાના વ્યાપ અને તેના સહ-સંબંધિત પરિબળો પર મોટા પાયે સંશોધન કરવાની યોજના બનાવી શકે છે.
નોમોફોબિયાના વધતા જતા પ્રભાવને સમજવા અને તેના પર નિયંત્રણ મેળવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ડો.દોશીએ જણાવ્યું કે મારા માટે આ ખુશીની વાત છે કે મનોવિજ્ઞાન ભવન દ્વારા અગાઉ જિદ્દીપણા અંગેના કોપીરાઇટસ લેવામાં આવ્યા હતા અને આ બીજી મનોવૈજ્ઞાનિક કસોટીના કોપીરાઇટ્સ પણ અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ મનોવૈજ્ઞાનિક આ કસોટીનો ઉપયોગ કરી શકશે.
