પાંચ વર્ષથી ચાલતી ખાનગી નર્સિંગની કોલેજમાં સેફ્ટી ચકાસણી નહીં, બે દાયકા જૂની સરકારી માટે ફરજિયાત
રાજ્યની નર્સિંગ સહિતની પેરા મેડિકલ કોર્સની 37 હજારથી વધારે બેઠકો પર પ્રવેશ માટે હાલમાં મોક રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે પરંતુ પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂૂ થશે તે નક્કી નથી. સ્વનિર્ભરની સાથે સાથે સરકારી 60થી વધારે સરકારી નર્સિંગ કોલેજોને પણ હજુસુધી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. કાઉન્સિલ દ્વારા સરકારી કોલેજોમાં ફાયર, બી.યુ. સહિતની મંજૂરી ન હોવાથી પ્રવેશ મંજૂરી આપવી કે નહી તે અંગે સરકારને તાકીદ કરી હોવાની વિગતો પણ બહાર આવી છે.
ધો.12નું પરિણામ જાહેર થયા બાદ 29મી મેથી નર્સિંગ સહિતના 10 કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂૂ કરી દેવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન થયા બાદ ચાર માસ પુરા થવા છતાં હજુસુધી પ્રવેશ કાર્યવાહી શરૂૂ થઇ શકી નથી. નર્સિંગ સહિતની કુલ 1143 કોલેજોની 54832 બેઠકો માટે અંદાજે 35 હજારથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચાર માસ પછી પણ પ્રવેશ કાર્યવાહી શરૂૂ થતાં ભારે વિરોધ થાય તેવી સ્થિતિ ઉભી થતાં હાલમાં મોક રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ કે, હાલની સ્થિતિમાં 250થી વધારે સ્વનિર્ભર નર્સિંગ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ 60થી વધારે સરકારી કોલેજો પૈકી એકપણ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રો કહે છે કે, નર્સિંગ કાઉન્સિલ દ્વારા ગતવર્ષે સરકારી નર્સિંગ સહિતની કોલેજોમાં ફાયર અને બીયુ પરમીશન ન હોવાના કારણે લાંબા સમય સુધી મંજૂરી આપવામાં આવી નહોતી. છેવટે સરકાર દ્વારા સરકારી કોલેજોમાં ટૂંક સમયમાં ફાયર અને બી.યુ.ની મંજૂરી આપવામાં આવશે તેવી બાંયેધરી આપવામાં આવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી.
ચાલુવર્ષે પણ કાઉન્સિલ દ્વારા આજ કારણોસર સરકારી નર્સિંગ કોલેજોની મંજૂરી અટકાવવામાં આવી છે. સૂત્રો કહે છે કે, તાજેતરમાં કાઉન્સિલ દ્વારા સરકારી નર્સિંગ કોલેજોમાં ફાયર અને બી.યુ.એનઓસી ન હોવાથી મંજૂરી ન હોવાથી કોલેજની મંજૂરીઓ અટકાવી હોવાની જાણકારી પણ આપી દેવાઈ છે. આ મુદ્દે પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, કાઉન્સિલ દ્વારા હાલમાં સ્વનિર્ભર કોલેજો પૈકી જે કોલેજો પાંચ વર્ષ જુની હોય તેમનું ઇન્સ્પેક્શન ન કરવાની જાહેરાત કરાઈ છે. એટલે કે આ કોલેજને ઇન્સ્પેક્શન કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવતી હોય છે. બીજીબાજુ સરકારી કોલેજો 20 વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહી છે. આમછતાં આ કોલેજની મંજૂરી આપવામાં ન આવતાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.
બીએસસી નર્સિંગ, બી.ફીઝીયોથેરાપી, જીએનએમ, એએનએમ, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, બી.એ.એસએલપી અને બી.નેચરોપથી સહિતના કોર્સમાં પ્રવેશ માટે સરકારી સહિતની કોલેજોની મંજૂરી બાકી છે ત્યારે પ્રવેશ સમિતિ દ્વારા 29મીથી 2 સપ્ટેમ્બર સુધી મોક રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે. મોક રાઉન્ડ પુરો થયા બાદ ફાઇનલ રાઉન્ડ શરૂૂ થશે કે કેમ તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
