જસદણ યાર્ડમાં 300 રૂપિયામાં પણ મગફળીનું કોઇ લેવાલ નહીં, ખેડૂતો નિરાશ
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગાડી છે. માવઠાને કારણે ખેતરમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ, સોયાબિન અને મગ સહિતના પાકો નિષ્ફળ ગયાં છે. ત્યારે જસદણના ખેડૂતોને પણ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. જસદણના ખેડૂતોની મગફળી ખરીદવા માટે કોઈ તૈયાર નથી. મગફળી વેચવા માટે આવેલા ખેડૂતો આખી રાત લાઈનમાં ઉભા રહ્યા પણ મગફળી લઈને પરત જવાની ફરજ પડી છે.
જસદણના ચીતલીયા ગામના ખેડૂતોની મગફળી 300 રૂૂપિયામાં પણ જસદણ APMC માં વેપારીઓ લેવા તૈયાર નથી.મગફળીનો ભાવ 800 રૂૂપિયાથી 1200 રૂૂપિયા સુધીનો છે. ત્યારે લાચાર ખેડૂતની મગફળી 300 રૂૂપિયામાં પણ વેપારીઓ લેવા તૈયાર નથી. માવઠામાં ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી પણ ખેડૂતે જાતે જ ફોલીને તેમાંથી બી કાઢ્યા તો સરસ મગફળી નીકળી હતી. ગઈકાલે ખેડૂતો મગફળી લઈને વેચવા માટે આવ્યા હતાં અને આખી રાત લાઈનમાં ઉભા રહીને ઉજાગરો કર્યો હતો. પરંતુ આજે સવારે જ્યારે હરાજીમાં ખેડૂતોનો વારો આવ્યો ત્યારે કોઈ વેપારી ખેડૂતની મગફળી 300 રૂૂપિયામાં પણ લેવા તૈયાર થયો નહોતો.
બિયારણ, ખાતર અને દવા મોંઘી છતાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ માવઠાને કારણે મગફળી પલળી જતાં ખેડૂતોની મગફળી ખરીદવા કોઈ તૈયાર નથી. મગફળી વેચવા માટે આખી રાત ઉજાગરો કર્યો અને ત્યાર બાદ ખેડૂતે મગફળી લઈને પરત જવાનો વારો આવ્યો હતો. તેમને ટ્રેક્ટરનું ભાડુ પણ ચૂકવવું પડ્યું હતું.
