સાંસદ રામભાઇને ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રી
કોર્પોરેશનના કાર્યક્રમોમાં પણ આમંત્રણ નહીં આપવા પક્ષ પ્રમુખની સુચનાથી ખળભળાટ
આખાબોલા સ્વભાવના કારણે રામભાઇ ભાજપમાં જ અળખામણા બન્યા
રાજકોટ શહેર ભાજપમાં લાંબા સમયથી બે જૂથો વચ્ચે ચાલતી કોલ્ડ વોરમાં બટકબોલા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાને રાજકોટમાં પાર્ટીના કે, કોર્પોરેશનના કાર્યક્રમોમાં નહીં બોલાવવાની સૂચના મળતા ભારે ચર્ચા જાગી છે. આ મૂદો આગામી દિવસોમા વધુ ઉગ્ર બને તેવી શકયતા દર્શાવાય છે.
મળતી માહિતી મુજબ ભાજપના અને કોર્પોરેશનના જાહેર કાર્યક્રમોમા સાંસદ રામભાઇના વાણી - વર્તન અંગેની ફરિયાદો ભાજપ હાઇકમાન્ડ સુધી પહોંચી હતી અને ભાજપ હાઇકમાન્ડે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તેની રીતે નિર્ણય લઇ લેવા છૂટ અપાતા અંતે શહેર ભાજપ પ્રમુખે રાજકોટ મહાનગર પાલિકા તથા પાર્ટીના કાર્યક્રમોમાં હાલ પુરતા સાંસદ રામભાઇ મોકરીયાને આમંત્રણ નહીં આપવા કે, આમંત્રણ પત્રિકામા નામ પણ નહીં છાપવા લાગતા-વળગતાઓને સુચના આપી દીધી હોવાનું જાણવા મળે છે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલ સંસદનું સત્ર ચાલુ છે એટલે સાંસદ રામભાઇ ઉપલબ્ધ ન હોય, સ્થાનિક કાર્યક્રમોની પત્રિકામાં તેમનું નામ નહીં નાખવા સુચના આપવામાં આવી છે. આ નિર્ણય થોડા દિવસો માટે જ છે.
દરમિયાન ભાજપના આંતરીક સુત્રોનું કહેવું છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રભારીમંત્રી રાઘવજી પટેલે 15 દિવસ પહેલા ખાડાઓના પ્રશ્ને ધારાસભ્યો- સાંસદો- કોર્પોરેશનના પદાધિકારીઓ- કોર્પોરેટરો અને અધિકારીઓની બેઠક યોજી હતી તેમાં સાંસદ રામભાઇએ તમામની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તતડાવી નાખ્યા હતા અને ન કહેવાના શબ્દો કહેતા બેઠકમાં સોંપો પડી ગયો હતો.
આ બેઠક બાદ કોર્પોરેટરોએ પણ રામભાઇ મોકરીયાના વાણી-વર્તન સામે નારાજગી વ્યકત કરી હતી. આ સિવાય અન્ય કાર્યક્રમોમા પણ રામભાઇ મોકરીયાના આખા બોલા સ્વભાવની ફરિયાદો સતત ઉઠતી રહેતી હોય, અંતે મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો હતો પરંતુ ભાજપ હાઇકમાન્ડે શહેર ભાજપ પ્રમુખને નિર્ણય લેવાની છૂટ આપતા શહેર ભાજપ પ્રમુખે સાંસદ રામભાઇ મોકરીયાને કોર્પોરેશન તથા ભાજપના કાર્યક્રમોમા નો એન્ટ્રી ફરમાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સભાના સાંસદ તરીકે રામભાઇ મોકરીયાને હવે માત્ર છ માસ બાકી છે. અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલી રાજયસભાની બેઠક ઉપર રામભાઇ ચૂંટાયા હતા પરંતુ તેમના આકરા અને આખાબોલા સ્વભાવના કારણે ભાજપમાં જ તેઓ અળખામણા થઇ ગયા છે.