હાઇકોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ ત્રિવેદી સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા મોફૂક
ચોક્કસ નિયમો અને બંધારણ ન હોવાથી હાલ પૂરતું અલ્પવિરામ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા સોમવારે યોજાયેલી જનરલ બોડીની બેઠકમાં બહુમતીથી મોકૂફ રાખવામાં આવી છે. આ મામલે જ્યાં સુધી ચૂંટાયેલા હોદ્દેદારને હટાવવા માટેના કોઇ ચોક્કસ નિયમો એસોસિએશનના બંધારણમાં ન બનાવવામાં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસોસિએશનના પ્રમુખ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે,અગાઉ પણ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના એક પ્રેસિડેન્ટને આવી જ રીતે એક ગ્રૂપ દ્વારા બંધારણની વિરુદ્ધમાં જઇને દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે મને બહુમતી મળી છે અને સભ્યોએ વિશ્વાસ રાખીને મને પ્રમુખ બનાવ્યો હોય ત્યારે મારે આ હોદ્દાને અનુરૂૂપ વર્તવું જોઇએ અને સ્થાન પર ટકી રહેવું જોઇએ.
તેમણે એવું જણાવ્યું હતું કે,આજે મેનેજિંગ કમિટીએ જનરલ બોડી સામે આજનો જે અવિશ્વાસના પ્રસ્તાવની પ્રક્રિયાનો મામલો મૂક્યો હતો, પરંતુ એ રેફરન્ડમ બંધારણની વિરુદ્ધમાં હોવાથી તેને રદ કરવામાં આવ્યું છે અને તેથી હવે અવિશ્વાસના પ્રસ્તાવ માટેનું કોઇ મતદાન હાલમાં થશે નહીં. ગત મહિને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને એના કારણે એડવોકેટ આલમમાં ચર્ચાઓ શરૂૂ થઇ ગઇ હતી અને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર શરૂૂ થયા હતા. જોકે આ અંગે સોમવારે યોજાયેલી બેઠક બાદ સમગ્ર પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત થઇ જતાં તમામ વિવાદો ઉપર પણ પૂર્ણ વિરામ મૂકાઇ ગયો છે.