‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, જેમાં હવે સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. પ્રદેશ કોંગ્રેસની હાઈકમાન્ડ સાથેની બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસને એકલા હાથે ચૂંટણી લડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે કોંગ્રેસ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે જ લડે. હાઈકમાન્ડનું માનવું છે કે કોંગ્રેસ પક્ષે પોતાના બળ પર ચૂંટણી લડીને સંગઠનને મજબૂત કરવું જોઈએ. આ નિર્ણય સાથે જ રાજ્યમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે દિલ્હી ખાતે AICC (અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના સંગઠન અને આગામી ચૂંટણીની રણનીતિ પર મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની તરફેણમાં હતા. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની બેઠકો પર ગઠબંધન કરવાની પેરવી કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં યુવા નેતા ચૈતર વસાવાના વધતા પ્રભાવના કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓએ ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે ગઠબંધનની તરફદારી કરી હતી.