અમરેલી સરઘસકાંડમાં નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટ
ભોગ બનેલ યુવતી અને ફરિયાદીના નિવેદનો લીધા, આજે પોલીસ કર્મચારીઓ અને પંચોના નિવેદનો
અમરેલીના બહુચર્ચિત નિર્દોષ યુવતીના સરઘસકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ગઇકાલે ભોગ બનનાર યુવતી પાયલ તેમજ ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નિવેદનો લીધા હતા ઉપરાંત જે સ્થળે યુવતી સહિતના આરોપીઓનુ રિ-ક્ધસ્ટ્રકશન કરાયુ હતુ. તે સ્થળનુ પણ નિર્લિપ્તરાયે નિરિક્ષણ કર્યું હતુ.
જયારે આજે સવારથી આ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારીઓ, અન્ય પોલીસ અધિકારીઓ તથા પંચોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. નિર્લિપ્ત રાયે સરકીટ હાઉસમાં પડાવ નાખ્યો હોય બે દિવસથી અહીં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.
લેટરકાંડમા સંડોવાયેલી યુવતીએ જિલ્લા પોલીસવડા સહિત અન્ય અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અંગે રાજયના પોલીસવડાને રજુઆત કરાયા બાદ તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપવામા આવી હતી. જેને પગલે તેમણે તપાસ સંભાળી લીધી હતી અને આજે અમરેલી દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂૂ કરી દીધો હતો. ગઇકાલે સવારે દસેક વાગ્યે યુવતી પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી. જયાં નિર્લિપ્ત રાય દ્વારા તેમનુ નિવેદન લેવાયુ હતુ.
બપોરના સમયે ફરિયાદી કિશોર કાનપરીયાનુ પણ નિવેદન લેવામા આવ્યું હતુ. નિર્લિપ્ત રાયે રીક્ધસ્ટ્રકશન સ્થળની પણ મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પોલીસવડા તેમજ સાયબર ક્રાઇમ અને એલસીબીના અધિકારી અને કર્મચારીઓ તેમજ સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસકર્મીઓ પણ હાજર રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પીડીત યુવતીએ જિલ્લા પોલીસવડા અને અન્ય અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સામે પોતાને ધમકાવવા, ભયમા નાખવા, માર મારવા અંગે તથા જાહેરમા સરઘસ કાઢવા જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલ તો યુવતી અને ફરિયાદીના નિવેદન લેવાયા છે. નિવેદન લેવાયા બાદ નિર્લિપ્ત રાય દ્વારા રાજયના પોલીસવડાને રીપોર્ટ સોંપાશે.
બનાવટી લેટરકાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. તેવા સમયે હવે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ગઇકાલે અમરેલી પહોંચ્યા હતા. અને કેસમાં જોડાયેલા લોકોનું નિવેદન લીધા હતા. ત્યારે આવનારા દિવસોમાં અમરેલીમાં નવા કડાકા ભડાકાના એધાણ વર્તાઈ રહ્યા છે.
બનાવટી લેટરકાંડ મુદ્દે તપાસ અર્થે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી આવી પહોંચતા પોલીસ તંત્રમાં પણ દિવસભર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. હવે આ તપાસમાં શું નવા ખુલાસા બહાર આવશે ? તેવી ચર્ચાઓ પણ પોલીસ તંત્ર અને શહેરના લોકોમાં જોર પકડયું હતું.હજુ આજે પણ નિર્લિપ્ત રાય દ્વારા એલસીબી તેમજ સાયબર ક્રાઇમના અધિકારી, કર્મચારીના નિવેદન લેવામા આવી રહ્યા છે.