ઉનાના નવાબંદરે દરિયામાં બોટ ડૂબી જતાં નવ ખલાસીઓને બચાવી લેવાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદરના દરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટ ડૂબી ગઈ છે. સદનસીબે, નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી બોટ પર સવાર ટંડેલ સહિત 9 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવાબંદરના ભાણાભાઈ કરશનભાઈની માલિકીની બોટ (GJ14MM 84) ત્રણ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગઈ હતી. બોટમાં ટંડેલ જીલુભાઈ સહિત કુલ નવ ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે જ્યારે બોટ કિનારાથી લગભગ 4 નોટિકલ માઈલ (અંદાજે 35 કિલોમીટર) દૂર માછીમારી કરી રહી હતી, તે સમયે અચાનક બોટના એન્જિનના પંખાનું સ્ટેન્ડ તૂટી ગયું હતું. આ ખામીને કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં તે ડૂબવા માંડી. બોટ ડૂબી રહી હોવાનું જણાતાં ટંડેલ જીલુભાઈ અને ખલાસીઓએ મદદ માટે બૂમો પાડી હતી.
સદ્ભાગ્યે, તેમની જ કંપનીની અન્ય પાંચ બોટો નજીકમાં જ માછીમારી કરી રહી હતી. આ અન્ય બોટોના ટંડેલોએ તાત્કાલિક પોતાની બોટ નજીક દોડાવી અને ડૂબી રહેલી બોટમાંથી ટંડેલ સહિત તમામ નવ ખલાસીઓને ખેંચીને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ આકસ્મિક ઘટનાની જાણ વાયરલેસ મેસેજ દ્વારા બોટ માલિક ભાણાભાઈ કરશનભાઈને કરવામાં આવી હતી, જેના પગલે તેમના પુત્રો તુરંત દરિયામાં રવાના થયા હતા. પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો શરૂૂ કરાયા હતા. આ દરમિયાન બોટ દરિયાની અંદર પભાથોડાથ વચ્ચે ફસાઈ ગઈ હતી, પરંતુ ભારે જહેમત બાદ તેને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને સલામત રીતે કિનારે લાવવામાં સફળતા મળી હતી. ક્ષતિગ્રસ્ત બોટને હાલ કાંઠે લાવવામાં આવી છે.
