આવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશે
GST ઘટવાથી સરકારની 8 હજાર કરોડ ઘટેલી આવક સરભર થવાની ગણતરી
રાજ્ય સરકારનું આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષના બજેટનું કદ 4 લાખ કરોડ રૂૂપિયાથી વધુ રાખવા ગુજરાતમાં નવા આયોજનો અને મોટાપાયે વિકાસ કામોની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને નાણા વિભાગ દ્વારા તૈયારી શરૂૂ કરી દેવામાં આવી છે. તે સાથે સરકારી તિજોરીની આવક વધારવા નાગરિકો ઉપર બજેટમાં મોટાપાયે કોઇ કરવેરા નહીં રખાય પરંતુ સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર વેરાના દર સૌથી ઓછા છે તેને ધ્યાનમાં રાખીને સેસમાં વધારો કરાય તેવી સંભાવના છે. જીએસટીના દર ઘટતા રાજ્યની આવકમાં 8 હજાર કરોડ જેટલા ઘટાડાનો અંદાજ હાલ મૂકાઇ રહ્યો છે પરંતુ નાગરિકોની ખરીદ શક્તિમાં વધારો થતા વર્ષના અંતે તે સરભર થઇ જવાની આશા સરકારી તંત્ર રાખી રહ્યું છે.
વર્ષ 2025-26નું બજેટ 3 લાખ 60 હજાર 250 કરોડ રૂૂપિયાનું હતું. જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓના વિકાસ અને ગ્રીન ગ્રોથને ફોકસ કરાયું હતું. નાણા વિભાગના સૂત્રોના કહેવા મુજબ આગામી બજેટમાં ચાલુ વર્ષના બજેટના કદ કરતા 30 હજાર કરોડ રૂૂપિયાથી વધુનો વધારો કરવામાં આવશે. જેથી રાજ્યના વિકાસ કામોને પહોંચી વળવા સાથે લાંબા ગાળાની યોજનાના આયોજનને પણ પાર પાડી શકાય. કેટલાક વિભાગોનું બજેટ મોટાપાયે નાણાકીય વર્ષના સાત મહિના પૂર્ણ થયા તેમ છતાં વાપરવામાં આવ્યું નથી તે અંગે ટૂંક સમયમાં નાણા વિભાગ બેઠકોનો દોર શરૂૂ કરશે. ગત એપ્રિલ માસમાં બજેટ રજૂ કર્યા બાદ નાણા વિભાગ દ્વારા મોટાભાગના કામોની ગ્રાન્ટ રીલીઝ કરી દેવામાં આવી હતી તેથી વિભાગોને ઝડપથી તેમના બાકી કામો માટે ગ્રાન્ટ વાપરવા માટે સૂચના આપવામાં આવશે.
બજેટમાં મોટાપાયે કરવેરામાં વધારો કરાય તેવી કોઇ સંભાવના નથી પરંતુ જીએસટીના દર ઘટાડાતા આવકમાં થયેલા નુકસાન અને જંગી કામોના ભારણને પહોંચી વળવા માટે પેટ્રોલ-ડીઝલ પરના સેસમાં વધારો કરાય તેવી સંભાવના ચકાસાઇ રહી છે. હાલ અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા છે. આ માટે ઉચ્ચ સ્તરે મંજૂરી લઇને નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો કરાયો છે તેના કારણે અનેક ચીજ વસ્તુ પરની કિંમતમાં ઘટાડો થતા રાજ્ય સરકારને જીએસટીની તેટલી આવક ગૂમાવવી પડશે. નાણા વિભાગના અંદાજ મુજબ વર્ષે 7થી 8 હજાર કરોડ રૂૂપિયાના નુકસાનનો આવકમાં ઘટાડો થઇ શકે છે. જો કે જીએસટીના દર ઘટતા નાગરિકોએ ચીજ વસ્તુઓની ભારે ખરીદી કરી છે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગ્રાહકોપયોગી ચીજ વસ્તુઓથી લઇને લકઝુરિયસ આઇટમની પણ ભારે ખરીદી થવા પામી છે. તેના કારણે સરકારને જીએસટીની આ જંગી ખોટ મોટાભાગે સરભર થઇ જશે તેવી ગણતરી મૂકાઇ રહી છે.
ઓલિમ્પિક-કોમનવેલ્થ ગેમ્સને લઇને શહેરી વિકાસ-શોર્ટસ ઇન્ફ્રાની ફાળવણી વધશે
રાજ્યના આગામી બજેટમાં શહેરી વિકાસના કામોને વધુ પ્રાધાન્ય અપાશે. જેમાં અમદાવાદને મહત્તમ ફાયદો થઇ શકે છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને આગામી પાંચ વર્ષમાં શહેરી સુવિધા વધે તેવા અને રમત ગમતને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ટરના કામોને વધુ મહત્વ આપવામાં આવશે. આ ઉપરાંત ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતને યજમાની મળે તો ગુજરાતને પણ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હશે તો મોટો ફાયદો થશે.