આવતા વર્ષે સરકારી કર્મચારી 267 દિવસ કામ કરશે
રાજ્ય સરકારનું વર્ષ-2025નું રજાનું લિસ્ટ જાહેર,5 ફરજિયાત રજા રવિવારે કાપી, 39 મરજિયાત રજા
ગુજરાત સરકારે આગામી વર્ષ 2025 માટે જાહેર રજાની યાદી બહાર પાડી છે. જેમાં 25 ફરજિયાત રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ પાંચ રજાઓના દિવસે રવિવાર આવતો હોવાથી કુલ 20 ફરજિયાત રજાઓ રહેશે.
આ ઉપરાંત સરકારની યાદીમાં 39 મરજિયાત રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેંક માટે 17 જાહેર રજાઓની પણ યાદી બહાર પાડી દેવામાં આવી છે. જેથી આવતા વર્ષે સરકારી કર્મચારીઓને બીજો અને ચોથો શનિવાર તથા રવિવારની રજાઓ અને ફરજિયાત રજાઓ ગણતા કુલ 267 દિવસ કામ કરવું પડશે.
સરકાર દ્વારા આવતા વર્ષની આગોતરી તૈયારી માટે રજાઓની યાદી સાથેનું કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. ુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે 2025ની જાહેર રજાઓનું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટીફીકેશન પ્રમાણે તા. 1-1-2025થી 31-12-2025 સુધીમાં કુલ 25 જાહેર રજાઓ રાખવામાં આવી છે. જેમાંથી પાંચ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો લાભ કર્મચારીઓને મળશે નહીં જેમાં 26 જાન્યુઆરી-ગણતંત્ર દિવસ, 30 માર્ચ ચેટીચાંદ, 6 એપ્રીલ રામનવમી, અસુરા (મોહરમ) 6 જૂલાઈ અને રક્ષાબંધન 9 ઓગસ્ટનો સમાવેશ થાય છે.
આવતા વર્ષે પણ ધોકો ઉપાડો લેશે
આ ઉપરાંત આવતા વર્ષે ચાલુ વર્ષની જેમ દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકાના દિવસે કાર્યાલયો ચાલુ રહેશે. આવતા વર્ષે દિવાળી 20 ઓક્ટોબર 2025 સોમવારના રોજ છે. અને નવુ વર્ષ 22-ઓક્ટોબર 2025 બુધવનારના દિવસે છે. જેથી વચ્ચે 21 ઓક્ટોબર અને મંગળવારના દિવસે ધોકો રહેશે. સરકારી કર્મચારીઓમાં દિવાળી વેકેશનમાં દિવાળી અને નવા વર્ષ વચ્ચે એક ચાલુ દિવસ હોવાથી રજા મુકવાને લઈને પણ કચવાટ જોવા મળશે.