ખંભાળિયામાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ"નું થશે ઉદ્ઘાટન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે નિર્માણ પામેલા જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ને આગામી તારીખ 12 એપ્રિલના રોજ વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવશે.
ખંભાળિયા નજીકના દ્વારકા માર્ગ પર અશોક પંપ પાસેની વિશાળ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ માળનું જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. અનેકવિધ સુવિધાઓ સાથેના આ જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ"નું ઉદઘાટન આગામી તારીખ 12 એપ્રિલના રોજ કરવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશાળ જગ્યામાં સફેદ માર્બલ તથા સફેદ કલરમાં વિશિષ્ટ બાંધકામ સાથે કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા આ ભવ્ય જિલ્લા ભાજપ કાર્યાલયને "દ્વારકેશ કમલમ" નામ આપવામાં આવ્યું છે. તેના સ્વાગત કક્ષમાં જ સુદર્શન ચક્ર સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આ ભવ્ય જિલ્લા કાર્યાલયનો પાયો ભાજપના તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા નાખવામાં આવ્યો હતો. જે પછી તેમની તબિયત નાદુરસ્ત બની રહેતા હાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યાલયનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેને સંભવતઃ આગામી તારીખ 12 એપ્રિલના રોજ ભાજપના રાજ્ય પ્રમુખ સી.આર. પાટીલ તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.