CBSEમાં નવા શૈક્ષણિક વર્ષથી ધો.3 અને 6માં નવો અભ્યાસક્રમ
- બાકીના તમામ ધોરણમાં જૂના પુસ્તકો જ અમલમાં રહેશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) સંલગ્ન સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-3 અને 6ના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. હાલમાં NCERT દ્વારા નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને શૈક્ષણિક વર્ષ 2024-25થી તે અમલમાં આવશે. જોકે, ધોરણ-3 અને 6 સિવાયના બાકીના તમામ ધોરણમાં હાલમાં જે પુસ્તકો અમલમાં છે તે જ ચાલુ રહેશે.
નવી શિક્ષણનીતિ અંતર્ગત પુસ્તકમાં થઈ રહેલા બદલાવને લઈને શિક્ષકો અને આચાર્યોને પણ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પણ નવો અભ્યાસક્રમ સરળતાથી સમજી શકે તે માટે ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ અને ધોરણ-3ના વિદ્યાર્થીઓ માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
શૈક્ષણિક વર્ષ 2024-25થી CBSE બોર્ડ દ્વારા ધોરણ-3 અને ધોરણ-6 માટે નવા પાઠ્ય પુસ્તકો અમલમાં લાવવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ CBSEને 18 માર્ચ, 2024ના પત્ર દ્વારા જાણ કરી હતી કે, ગ્રેડ 3 અને 6 માટેનો નવો અભ્યાસક્રમ અને પાઠ્ય પુસ્તકો હાલમાં તૈયાર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. જેથી શાળાઓએ હવે શૈક્ષણિક વર્ષ 2024થી NCERT દ્વારા પ્રકાશિત જૂના પાઠયપુસ્તકોની જગ્યાએ ધોરણ-3 અને 6 માટે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો રહેશે.બોર્ડ દ્વારા સંભવત આગામી થોડાક દિવસોમાં જ પુસ્તકો તૈયાર કરી દેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.
બ્રિજ કોર્સ અને સંક્ષિપ્ત માર્ગદર્શિકા NCERT તરફથી પ્રાપ્ત થયા પછી તમામ શાળાઓમાં ઑનલાઇન પ્રસારિત કરવામાં આવશે.CBSE બોર્ડ દ્વારા સ્કૂલોના આચાર્ય અને શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં તેમને નવી શિક્ષણનીતિ અંતર્ગત અભ્યાસની નવી રીતો અને તે અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર દેશમાં આવેલી CBSE સ્કૂલોમાં 1 એપ્રિલ, 2024થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.