ટ્રોલી બેગમાં એલ્યુમિનિયમ કોટેડ સોનાના સ્ક્રૂ લગાવી દાણચોરીની નવી તરકીબ
36.59 લાખના 353 ગ્રામ સોનાના સ્ક્રૂ કબ્જે, દુબઇથી આવેલ પેસેન્જર ઝડપાયો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે દાણચોરીનું હબ બની રહ્યું છે. એનેકેન પ્રકારે દાણચોરીનો સામાન અમદાવાદ એરપોર્ટ પર પકડાવવો એ કોઈ નવી વાત નથી, પરંતુ એજન્સીઓ જે પ્રકારે દાણચોરી પકડે છે તેમ તેમ દાણચોર પણ નવા નવા કિમિયા અજમાવે છે. દુબઈથી અમદાવાદ આવતી સ્પાઈસજેટની ફ્લાઇટ નંબર SG16 માં એક પેસેન્જર પાસેથી રૂપિયા 36,59,553 રૂપિયાના સોના સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
સોનાના સ્મગલિંગ માટે આ શખ્સે 82 જેટલા સ્ક્રૂને એલ્યુમિનિયમ કોટેડ કરીને સામાન્ય જેવી ટ્રાવેલ બેગ બનાવીને દુબઈથી અમદાવાદ લાવવાના ચક્કરમાં હતો. આ અંગે DRIના AZU (અમદાવાદ ઝોનલ યુનિટ)ને સમગ્ર દાણચોરી બાબતે ચોક્કસ માહિતી મળતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દાણચોરને પકડવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ઇન્ટેલિઝન્સ યુનિટ દ્વારા દુબઈથી આવતી સ્પાઇસ જેટની દુબઈથી અમદાવાદ આવતી SG16 ફલાઈટના લેન્ડિંગ બાદ એક પેસેન્જર પાસેથી ટ્રાવેલ ટ્રોલિ બેગ કબ્જે કરવામાં આવી.
આ બેગમાં સામાન્ય કરતા વધુ સ્ક્રૂ જોવા મળી રહ્યા હતા. જેની તપાસ કરતા એલ્યુમિનિયમ જેવા દેખાતા સ્ક્રૂ એલ્યુમિનિયમના નહીં પણ સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂ હોવાનું બહાર આવ્યું હતું. આ 82 સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂને ઓગાળતા તેમાંથી 353.8 ગ્રામ જેટલું સોનું એકત્ર થયું છે. જેની બજાર કિંમત 36,59,533 જેટલી થાય છે.
સોનાની દાણચોરી બાબતે સૂત્રોનું માનીએ તો ગતવર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી134 કિલોગ્રામ જેટલું સોનુ ઝડપી પાડીને RBI રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે અંદાજે 34 કિલોગ્રામ જેટલા સોનાની દાણચોરી અલગ અલગ કિસ્સાઓમાં ઝડપી પાડવામાં આવી છે.