સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી બંધ શાળાઓના નામે નવી શાળાને મંજૂરી મળી ગઇ
સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પૂર્વ DEOની જાળસાજીપૂર્વક બનાવેલી સહીનો ઉપયોગ કરીને બંધ થઈ ગયેલી ખાનગી શાળાઓની ફાઇલોનો દુરુપયોગ કરી, નવી શાળાઓને માન્યતા અપાવવા માટે કરોડો રૂૂપિયાની હેરાફેરી થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ એક ત્રાહિત વ્યક્તિએ પૂર્વ DEOની બોગસ સહીવાળો એક ઓર્ડર રજૂ કરતાં થયો હતો. આ ઓર્ડર શંકાસ્પદ લાગતાં હાલના DEOએ તેની ચકાસણી કરાવી, જેમાં સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો હતો.આ ઘટના બાદ બંધ થઈ ગયેલી કે નિષ્ક્રિય ખાનગી શાળાઓની જૂની ફાઇલો શોધી કાઢવામાં આવી હતી. પૂર્વ DEOની સહીની બોગસ નકલ કરીને નવા ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હતા.આ ઓર્ડરના આધારે નવી શાળાઓને ઝડપથી માન્યતા મેળવી આપવામાં આવી હતી.
જાણકારી અનુસાર એક જ ફાઇલનો ઉપયોગ અનેક શાળાઓ માટે કરીને લાખો-કરોડો રૂૂપિયાની કમાણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ,માહિતી અનુસાર આ રીતે 25થી વધુ શાળાઓના રેકોર્ડમાં છેડછાડ કરવામાં આવી હોવાની શક્યતા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે DEO કચેરીમાં ફરજ બજાવતા ત્રણેય કર્મચારીઓની આ કૌભાંડમાં સીધી કે આડકતરી સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કર્મચારીઓએ જ જૂની ફાઇલો ઉપલબ્ધ કરાવી હોવાનું અને બોગસ ઓર્ડર તૈયાર કરવામાં મદદ કરી હોવાનું અનુમાન છે.હાલના જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસ સોપાઈ છે.