અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોનો નવો રેકોર્ડ
ફ્લાઈટના વધારા સાથે ભાવમાં પણ વધારો 3 જૂનની આઇપીએલ ફાઈનલને લઈને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત આઇપીએલ ફાઇનલને લઈ બેંગલુરુ, પંજાબ, મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવા શહેરોથી આવતી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. એરલાઇન્સ દ્વારા ટિકિટના ભાવમાં પણ 10 ગણો સુધી વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ છેલ્લે ગત જાન્યુઆરીમાં યોજાયેલ કોલ્ડપ્લે શોના કારણે 47100 મુસાફરીનો ટ્રાફિક નોંધાયો હતો તેનો રેકોર્ડ આઇપીએલમાં તુટ્યો છે.
સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક સરેરાશ 37,000 મુસાફરોનું સંચાલન થાય છે, પરંતુ 31 મેના રોજ આ સંખ્યા વધીને ઓછામાં ઓછી 43,000 થઈ ગઈ હતી. 1 જૂનના રોજ પણ મુસાફરોની સંખ્યા ઓછામાં ઓછી 41,300 રહી હતી. જયારે 2 જૂન (સોમવાર)ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં લગભગ 40,000 મુસાફરોનું સંચાલન થઈ ચૂક્યું હતું અને ફાઇનલ માટે વધુ ચાહકો આવતા હોવાથી આ આંકડો વધુ વધવાની શક્યતા હતી. 3 જૂન (મંગળવાર)ના રોજ આઇપીએલ ફાઇનલના કારણે અમદાવાદ એરપોર્ટ પર 51,500થી વધુ મુસાફરો નોંધાયા હતા, જે રેકોર્ડબ્રેક છે.
અમદાવાદ એરપોર્ટ માટે 2025ના સમર શેડ્યૂલમાં દરરોજ લગભગ 320 ફ્લાઇટની અવર-જવર થાય છે, જે ગયા વર્ષ કરતાં 25% વધુ છે. 31 મેના રોજ 305 નિયમિત ફ્લાઇટ્સ અને 20 ચાર્ટર ફ્લાઇટ્સ નોંધાઈ હતી. 1 જૂનના રોજ 300 નિયમિત ફ્લાઇટ્સ અને 30 ચાર્ટર ફ્લાઇટ્સ હતી. 3 જૂનના રોજ ખાસ કરીને આઇપીએલ ફાઈનલ મેચના કારણે, નિયમિત ફ્લાઇટ્સ 250થી વધુ અને 16 ચાર્ટર ફ્લાઇટ્સ નોંધાઈ હતી.
આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપર 51,500 મુસાફરની અવર-જવરથી નવો રેકોર્ડ સર્જાયો છે. 25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટે 46,500 મુસાફરોનો સૌથી વધુ દૈનિક ટ્રાફિક નોંધાવ્યો હતો, પરંતુ આઇપીએલ ફાઇનલે તે આંકડો પાર કરી લીધો છે. આઇપીએલ ફાઇનલને કારણે 3 જૂન, 2025ના રોજ આ આંકડો 51,500 નોંધાયો છે. જેમાં 22,000 મુસાફરની આવક અને 29,500ની જાવકનો ટ્રાફિક નોંધાયો હતો.
25 જાન્યુઆરી એટલે કે, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટના પ્રથમ દિવસે સૌથી વધુ 47,000 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હતી તથા 340 ફ્લાઈટની મૂવમેન્ટ રહી હતી, જેમાં 40 ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ રહી હતી.